છેક પુરાતન કાળથી હીંદુ ધર્મ વેદો, ઉપનિષદો,પુરાણો, સૂક્તો, સુત્રો અને સહિંતાઓ જેવાં અનેક શાશ્ત્રો અને સાહિત્યો વડે સમૃદ્ધ છે. અનેક ઋૂષિમૂનિઓએ રામાયણ અને મહાભારત જેવા અગણિત ગ્રંથોની રચનાઓ કરી છે, એટલું જ નહીં તુલસીદાસ, કબીર, નાનક જેવી મહાન વિભૂતિઓએ પોતાના દોહા, ચોપાઈઓ અને ગુરૂબાની જેવી રચનાઓથી અનેક લોકોને ઈશ્વરને ભજતાં ભજતાં ધર્મને માર્ગે ચાલતા કર્યા છે.
એક તરફ સમગ્ર માનવજાતે આ બધાની મોકળાં મને ખુબ જ અહોભાવપૂર્વક પ્રશંસા કરી છે. પરંતુ બીજી તરફ આ સંદર્ભે મારા કેટલાક મિત્રોને સાથે લઈને મેં ગુજરાતના થોડાંક પસંદગીના શહેરોમાં જુદેજુદે સ્થળોએ પંદર દિવસ કરેલા થોડા નાનાં નાનાં સરવેનું તારણ અત્યંત નવાઈ પમાડે તેવું છે!
મારા સંપર્કમાં આવેલા સોમાંથી નેવું હીંદુઓએ મને મળ્યાં ત્યાં સુધીની તેમની જિંદગીમાં ઉપર જણાવેલા ધર્મશાશ્ત્રોમાંનું કશું પણ વાંચ્યું જ નથી!!! એટલું જ નહીં, એમાંના કોઈને નહીં વાંચ્યાંનો ક્યારેય કોઈ અફસોસ રહ્યો નથી કે એ બાબતે ક્યારેય કશો અપરાધભાવ પણ અનુભવ્યો નથી! ઘણાં દુઃખ સાથે લખવું પડે છે કે એમાંના મોટા ભાગના લોકો તો દ્રઢપણે એવું માને છે કે “આ કામ તો સાધુ, સંતો અને ઊપદેશકોનું છે દરેક વ્યક્તિએ આમાંનું કશું જાણવું કે વાંચવું સહેજ પણ જરૂરી નથી”!!!…...લો બોલો!
એમના કહેવા મુજબ "એટલી લાંબી લપ્પન છપ્પનમાં પડવાને બદલે આપણે તો સમયની અનુકુળતા મુજબ થાય એટલી ભક્તિ અને પૂજા પાઠ કરી લઈએ છીએ"!!!.....લો બોલો!
વાત ભક્તિ કે પૂજાપાઠની જ કરીએ તો મને જાણવા મળેલું સત્ય ખૂબ જ ચોકાવનારૂં છે! અત્યંત આઘાતજનક કડવી વાસ્તવિકતા એ છે કે નિત્ય પૂજા નહીં કરનારા હીંદુઓની સરેરાશ સાઈઠ ટકાથી વધારે છે!!! એમાંના મોટા ભાગના લોકોએ એવું કહ્યું છે કે ઘરમાં એક જણ પૂજાપાઠ કરે છે એટલે એ પોતે નથી કરતાં!!!........લો બોલો!
બીજી જબરજસ્ત ચોંકાવનારી હકીકત એ છે કે પૂજાપાઠ કે કોઈ શુભ કાર્ય શરૂ કરતાં પહેલાં કરવામાં આવતી ગણેશવંદનાની તો વાત જ જવા દો, મેં સંપર્ક સાંધેલા લોકોમાંથી પચાસ ટકા વ્યક્તિઓને ગણપતિના આશિષ મેળવવા માટે કરાતી “વક્રતુંડ મહાકાય” કે “વિઘ્નેશ્વરાય વરદાય”, દીપ પ્રકટાવતી વખતે બોલાતી “શુભં કરોતિ કલ્યાણં” કે સ્વસ્તિમંત્ર ગણાતી “સ્વસ્તિનો ઈન્દ્રો” જેવી કોઈ સ્તુતિ વિશે કોઈ જાણકારી જ નહોતી!!! વળી, એમાંની ચાલીસ ટકા વ્યક્તિઓ તો પહેલી જ વારમાં સ્પષ્ટ ઉચ્ચારણ સાથે પુરો ગાયત્રી મંત્ર પણ બોલી શકી નહોતી!!!.......લો બોલો!
સીત્તેર ટકાથી વધારે લોકો માતાજીની, શીવજીની કે પોતપોતાના ઈષ્ટદેવ કે દેવીની આખી આરતી ગાઈ શક્યા નહોતા! સૌથી આશ્ચર્યજનક વાત તો એ હતી કે અમદાવાદ શહેરના એક જાણીતા હનુમાનજીના મંદિરમાં દર્શને આવેલા હોવા છતાં મારા સરવેમાંના પચાસ ટકાથી વધારે લોકો સુંદરકાંડની એક પણ કડી સરખી રીતે ગાઈ શક્યા નહોતા, અને અત્યંત શરમજનક વાત તો એ હતી કે એમાંની મોટા ભાગની વ્યક્તિઓ તો આખી હનુમાનચાલીસા પણ બોલી શકી નહોતી!!!........લો બોલો!
જે પાંત્રીસથી ચાલીસ ટકા નિત્ય પૂજા કરે છે એમાં ત્રીજા ભાગે છોકરીઓ, ગૃહીણીઓ અને વૃધ્ધાઓ એટલે કે મહિલાઓ છે! જ્યારે ત્રીજા ભાગના લોકો પુષ્ટિમાર્ગી વૈષ્ણવ, ગાયત્રી પરિવાર, સ્વાધ્યાય પરિવાર, સ્વામિનારાયણ, બ્રહ્મમાકુમારી જેવા વિવિધ સંપ્રદાયને અનુસરતા હોઈ તેમની નિત્ય પૂજા પણ તે મુજબના રીત રિવાજ પ્રમાણે જુદી જુદી રીતે કરતાં હોય છે! બાકીના લોકોમાં નાનો મોટો ધંધો વેપાર કરતા લોકો છે જે પોતાની દુકાન કે ઓફીસને રોજ સવારે ખોલતી વખતે જે વધાવો કે પૂજા કરે છે તેને નિત્ય પૂજા ગણે છે જે અઠવાડિયામાં એક દિવસ બંધ! ટુંકમાં, અમારા સરવેમાં સંપર્ક સધાયેલા તમામ પંદરસો લોકોમાં હીંદુ ધર્મમાં વૈદિક રીતે સ્વીકૃત નિત્ય કરાતી પરંપરાગત શાશ્ત્રોક્ત પ્રાતઃ અને સાયં પુજા કરવાવાળી એક પણ વ્યક્તિ નહોતી!!!…...લો બોલો!
પાંચમી ચોંકાવનારી હકીકત એ છે કે મોટા ભાગના હીંદુઓ ગીતાને મુખ્ય ધર્મપુસ્તક તરીકે ગણી યોગ્ય સન્માન કરતાં નથી! ખ્રિસ્તી ધર્મમાં બાઈબલ અને ઈસ્લામ ધર્મમાં કૂરાન જે મહત્વ ધરાવે છે એટલું જ મહત્વ હીંદુ ધર્મમાં ગીતાનું છે. ભાગવત પુરાણનો જે સારાંશ ભગવાન કૃષ્ણે મહાભારતનું યુધ્ધ શરૂ થતાં પહેલાં અર્જુનને ઉપદેશ તરીકે આપ્યો તે ગીતા હિંદુ ધર્મનું સૌથી વધુ પ્રચલિત ધાર્મિક પુસ્તક છે. તેમ છતાં ગીતા ક્યારેય વાંચી જ ના હોય તેવા હીંદુઓની ટકાવારી એંશી ટકાને ઓળંગી જાય છે! આશ્ચર્ય તો એ વાતનું છે કે એમાંના પચાસ ટકાથી વધારે લોકોએ પોતાના ઘરમાં ગીતા વસાવી તો હોય જ છે!!!........લો બોલો!
મેં મારા અંતરંગ વર્તુળમાંના કેટલાક લોકોને આનું કારણ પૂછ્યું તો ઘણાંએ નિખાલસપણે કબુલ્યું કે ઉપર જણાવેલા કોઈ પણ શાશ્ત્રો અને સાહિત્યોમાં એમને ક્યારેય કોઇ રસ જ પડ્યો નથી! જે એક પુસ્તક વાંચવાની ઈચ્છા થાય છે એ ગીતા એમના મતે બહુ લાંબી અને સમજવામાં અટપટી છે એટલે વાંચી નથી!!! ……….લો બોલો!
ઈશ્વરપ્રેરણાને આધીન થઈ અહીંયા EPIC ચેનલ ઉપર આવતી મહાભારત સીરીયલમાં હીંદુઓમાં ધર્મયુદ્ધ ગણાતા મહાસંગ્રામની શરૂઆતમાં કૃષ્ણના પાત્ર દ્વારા અર્જુનના પાત્રને અપાતા ઉપદેશની મારી રીતે એડીટ કરેલી ફક્ત પાંચ મિનિટની નાનકડી વીડિયો ક્લીપ રજુ કરૂં છું. આ વીડિયો જોયા પછી નીચે લખેલો ગીતાસાર વાંચશો તો તમને ચોક્કસ રસ પડશે એટલે મારી નમ્ર વિનંતી છે કે આપ પહેલાં આ ક્લીપને ધ્યાનથી જુઓ અને સાંભળો:
ઉપરના દર્શાવેલા સરવેમાં સંમિલીત “કહેવાતા હીંદુઓ”ના લાભાર્થે તેમના કિંમતી સમયની સંપૂર્ણ અનુકુળતા જળવાય તેવો ખુબ જ ટૂંકો અને એકદમ સરળતાથી સમજાય તેવો મારો તારવેલો ગીતાસાર અહીં પ્રસ્તુત કરૂં છું:
જગતના સર્વે પ્રાણીની ઓળખ તેમના દેહથી છે. દેહ તો નાશવંત છે કારણ કે દેહનું અસ્તિત્વ જન્મથી છે અને જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે. બીજી તરફ આત્મા અમર અને અજન્મા છે. આત્માનું મૃત્યુ કે નાશ થતો નથી એટલે કોઇ એક જ દેહરૂપે મળેલું જીવન સંપૂર્ણ નથી. આત્માની યાત્રા તો જ્યાં સુધી એનો મોક્ષ નથી થતો ત્યાં સુધી નિરંતર ચાલુ જ રહે છે.
જેમ કોઈ વ્યક્તિ એક વસ્ત્ર ઉતારીને બીજું પહેરે છે એવી જ રીતે આત્મા તેના કર્મફળ અનુસાર આ બ્રહ્માંડમાં ચોર્યાસી લાખ યોનિમાં એક પછી એક દેહ ધારણ કરે છે. બીજા શબ્દોમાં કહીએ તો એક પછી એક યોનિઓમાં ભટકતો રહે છે.
શરીર, ઈન્દિ્યો અને મનની બનેલી ત્રિમૂર્તિને દેહ કહે છે. અનેક જીવોમાં એકમાત્ર મનુષ્યને ઈશ્વરે જ્ઞાન, બુદ્ધિ અને કર્મ વડે સમજ કેળવવાની અસાધારણ શક્તિ ધરાવતો દેહ આપ્યો છે. એટલે જ તો માનવ શરીર રૂપે મળેલું જીવન આત્મકલ્યાણ માટે શ્રેષ્ઠ ગણીને દુનિયાના બધાં જ ધર્મશાશ્ત્રો “મનુષ્ય દેહ દેવોને પણ દુર્લભ છે” એવું કહેતાં આવ્યા છે.
ગીતા મનુષ્યને દેહથી નહીં પણ બુદ્ધિથી મોટા થવાનું કહે છે એટલે સૌપ્રથમ તો દરેક મનુષ્યમાં જ્ઞાનની ભુખ હોવી જરૂરી છે. એકલું જ્ઞાન પણ વખત આવે નકામું બની રહે છે એટલે જ્ઞાન સાથે બુદ્ધિનો વિકાસ થવો પણ એટલો જ જરૂરી છે. જ્ઞાન અને બુદ્ધિના વિસ્તાર માટેની પ્રાથમિક લાયકાત શરીરની પવિત્રતા, ઈન્દિ્યો પર નિયંત્રણ અને મનની શુદ્ધતા છે. ગુણોના આ ત્રિવેણી સંગમથી બુદ્ધિ સ્થિર થાય છે.
સ્થિર બુદ્ધિ મનુષ્યને સદ્કર્મો કરવાની પ્રેરણા આપે છે. કર્મ જીવનની અવિરત પ્રક્રિયા છે. કશું જ નહીં કરવું એ પણ એક કર્મ છે. જ્ઞાન, બુદ્ધિ અને કર્મના યોગ્ય સમન્વયથી સાચા ખોટાની સમજ આવે છે.
સમજ કેળવાય તો પરમાત્મા, આત્મા, મન, ઈન્દ્રિયો, દેહ, જીવન, મૃત્યુ, સુખ, દુઃખ, ધર્મ,કર્મ અને બ્રહ્માંડના ગૂઢ રહસ્યો સમજાય છે. આ સઘળા તત્વો જે અફર સિદ્ધાંતને અનુસરે છે, બીજા શબ્દોમાં કહીએ તો જે નિયમથી ઈશ્વર આ સમગ્ર સંસારનું સંચાલન કરે છે અને જેને શાશ્ત્રો “સત્ય” તરીકે ઓળખે છે તે સમજાય છે.
એકવાર આ સત્ય સમજાઇ જાય પછી તેને જ વળગી રહીને જીવવું એટલે ધર્મ, ચિત્તમાં આવી ધાર્મિકતા પેદા થયા પછી પ્રભુનું ધ્યાનપૂર્વક કરેલું નામસ્મરણ અને પૂજા અર્ચના એટલે ભક્તિ.
આવી ભક્તિના અંતે ભાગ્ય અનુસાર મળેલી ઈશ્વરકૃપા એટલે કર્મફળ. આ કર્મફળ જ ભવોભવની સાચી સંપત્તિ બીજું બધું માયા. આ હકીકતને પૂર્ણરૂપે જાણી લઈને જે મનુષ્ય તેનું બાકીનું જીવન કેવળ સાક્ષીભાવે જીવે છે તેે સ્થિતપ્રજ્ઞ કહેવાય છે.
કર્મફળ પણ સમયથી પહેલાં અને ભાગ્યથી વધારે ક્યારેય કોઈને મળતું નથી. જે મારૂં છે તે મને મળીને જ રહેશે અને જે મારૂં નથી એ મને ક્યારેય નહીં મળે. એટલે મેળવવું-ગુમાવવું, મારૂં-તારૂં, સુખ-દુઃખ, મરવું-મારવું, જીવન-મૃત્યુ---આ સઘળાનો આનંદ અને શોક કરવો વ્યર્થ છે કેમ કે હર્ષ અને શોક તો દેહાતિત લક્ષણો છે.
જો મને કશું મળ્યું છે તો મારે ચોક્કસપણે માનવું જોઈએ કે આજે જે મારૂં છે તે ગઈકાલે બીજાનું હતું અને આવતી કાલે ફરીથી પાછું બીજાનું થવાનું જ છે. મારે ફક્ત આ ફેરબદલીને સાક્ષી ભાવે જોવાની છે કેમ કે પરિવર્તન આ સંસારનો અફર નિયમ છે.
જો કોઈ મનુષ્ય સંચિત અને વર્તમાન જીવનનું કર્મફળ એટલું બધું વિપરિત હોય કે એના ચિત્તમાં ઉપરનનું કશું જાણવા સમજવાની આત્મસ્ફૂરણા થાય એટલો ઊંડો વિષાદ પેદા જ ના થાય તો છેવટનો એકમાત્ર ઉપાય છે કે એવી વ્યક્તિએ ઈશ્વરને શરણ સ્વિકારી લઈને બધું જ એના ઉપર છોડી દેવું. એમ કરવાથી ધીમે ધીમે મનનો અસંતોષ નાશ પામે છે. સંતોષ મનને શક્ય હોય તેટલું શાંત કરવાનો રામબાણ ઉપાય છે અને શાંતિ જીવનનનું સાચું સુખ છે…..
કેટલીક વખત એવું બનતું હોય છે કે કોઈ પુસ્તક વાંચવાનો કંટાળો આવે પણ એજ પુસ્તકની દ્રશ્ય-શ્રાવ રજુઆત જ્યારે વીડિયો દ્વારા કરવામાં આવે તો જોવા સાંભળવાની મજા તો આવે જ છે સાથે સાથે એમાંનું બધું જ સીધેસીધું મગજમાં ઊતરી જાય છે.
આ વૈજ્ઞાનિક રીતે સિદ્ધ થયેલા સત્યને ધ્યાને લઇને શ્રીમદ ભાગવત ગીતાના તમામ અઢાર અધ્યાયના વીડિયોની Youtube લીંક અહીં નીચે પ્રસ્તુત છે. આપની અનુકુળતા પ્રમાણે દરેક અધ્યાયને જૂઓ, સાંભળો અને ભગવાન શ્રીકૃષ્ણે માનવજાતને સંભળાવેલા શ્રેષ્ઠ ઉપદેશને જાણીને તમારૂં જીવન ધન્ય કરો:
આશા છે કે તમને મારો આ સંક્ષિપ્ત ગીતાસાર પસંદ પડ્યો હશે. મન કરે તો આ વિગતનો બીજાને લાભ આપશો.
મહેશ ભટ્ટના જય શ્રી કૃષ્ણ...