Saturday 2 February 2019

સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ ફીરકાઓના “કહેવાતા” સત્સંગીઓને સપ્રેમ:

થોડો સમય પહેલાં મારા એક ઓળખીતાના ઘરે સ્વામિનારાયણ સંપ્રદાયના એક જાણીતા ફીરકાના બે સાધુઓએ પધરામણી કરી. જે તે ધાર્મિક સંસ્થાની પ્રથા અનુસાર આવી રીતે અનુયાયીઓ અને ભકતોની ઈચ્છાપૂર્તિ કરવા સાધુઓ વિચરણ કરે એ સારી વાત છે એમાં મારો કે બીજા કોઈનો કશો વિરોધ હોઈ શકે નહીં. ઓચિંતાનું ગોઠવાયું હશે કે પડોશના બીજા લોકો એમનાથી જુદા ધર્મમાં માનતા હોવાથી કહેવું કે ના કહેવું એ અસમંજસને લીધે એ ઓળખીતાએ કોઈને જાણ કરેલી નહીં. થયું એવું કે હાથમાં અમારા પાડોશીની નાજુક ફુલ જેવી અને જોંતા વેંત વહાલથી તેડી લેવાની ઈચ્છા થઈ આવે એવી હસમુખી એક વર્ષથી થોડીક મોટી બાળકી તેડીને મારૂ નીચે ઉતરવું અને બરાબર એ જ સમયે એ સાધુઓનું ઉપર ચડવું, એટલે હું અને બન્ને સાધુઓ દાદરમાં સાવ સામસામે થઇ ગયા!

સચ્ચાઈપૂર્વક લખું છું કે મને ખબર હોત તો હું દાદર ઊતર્યો જ ના હોત અને પધારેલા સાધુઓને પ્રણામ કરી ચોક્કસ “જય સ્વામિનારાયણ” બોલ્યો હોત પણ બધું અચાનક બની જવાથી મે ડાબી તરફ દબાઈને એમને ઉપર તરફ જવા શક્ય હોય તેટલી જગ્યા કરી આપીને નમસ્તે કર્યા. બન્ને સાધુઓ કદાચ આવી પરિસ્થિતિનો અનુભવ હોવાથી મારી ખાસ નોંધ લીધા વગર કોઈ પ્રતિભાવ આપ્યાં વિના જ આગળ વધી ગયા. જવલ્લે જ બનતો આ આખો ધટનાક્રમ માંડ ત્રણથી ચાર જ સેકન્ડનો જ હતો પણ યજમાનના બારણાંમાં ઊભેલા અને સાધુઓની પાછળ આવતા કેટલાક “કહેવાતા” સત્સંગીઓએ આખી ધટનાને એમના “મહાન સંતો”નું અસહ્ય અપમાન ગણીને અસાધારણ ગણગણાટ કરવા માડ્યો!

એક વડીલે તો મને  તાત્કાલિક ખખડાવી નાખતા કહ્યું કે “સાધુ સંતોની સામેથી આવી રીતે પસાર થતાં શરમ નથી આવતી? ભણેલાં ગણેલા થઈને આવું નિર્લજ્જ વર્તન કરો છો. સાધુનો પહેરવેશ જોઈને પણ ખબર પડે, આંખો છે કે બાકોરા? અમારા સાધુઓ તો સ્ત્રી સામે જોતાં પણ નથી અને ભૂલેચૂકે નજરે પડી જાય તો એમણે આખો દિવસ નકોરડો ઉપવાસ કરવો પડે છે! તમે સાવ ગમારની માફક એમની સામે જ બેબીને લઈને આવો છો, શરમ નથી આવતી? કેટલી તપસ્યા અને કેટલાય ઉપવાસ કરીને આ બે સાધુઓએ જે તપોબળ એકઠું કર્યું હતું તે બધું તમે પળવારમાં બાળી નાખ્યું! માબાપે કશા સંસ્કાર આપ્યાં છે કે નહીં?” ઓ તારી ભલી થાય, એક મિનિટ માટે તો મને પોતાને પણ એવું લાગ્યું કે મેં કોઈ ઘોર, અક્ષમ્ય અને અકલ્પનિય અપરાધ કરી નાખ્યો છે અને મેં હાથમાં કોઈ નાનકડી બાળકી નહીં પણ પુણ્ય બાળીને ભસ્મ કરી નાંખતી એક જબરજસ્ત વસ્તુ તેડી છે!!!

મેં કોઈ વિરોધી પ્રતિભાવ ના આપ્યો એટલે એ વડીલે અન્ય લોકો પર પ્રભાવ જમાવવાની અચાનક આવી મળેલી તકનો શક્ય એટલો ઉપયોગ કરી લેવાનું ચાલુ રાખ્યું, “તમે માત્ર બે જ દીવસ માટે સાધુજીવન જીવી બતાવો તો તમને ખબર પડશે કે એમાં કેટલું કષ્ટ છે? અને એ જીવન કેટલું અઘરું છે!” એ સાધુઓ જેમના ઘરે પધાર્યા હતા એમની સાથેનો મારો સારો સંબંધ હોવાથી હું મારી ભુલ ના હોવા છતાં થયેલા સખત અપમાનનો કડવો ઘૂંટડો ગળી ગયો.

પોતાને સંત ગણાવી “કહેવાતા સત્સંગીઓ”ના ટોળાં સાથે “કહેવાતા ભક્તો”ના ઘરે કરાતી આવી “કહેવાતી પધરામણી”ની આ ધટના મને ધર્મના ઓઠા હેઠળ કરાતો દંભ લાગ્યો, વળી, એનો મુખ્ય હેતુ પણ ફક્ત રોકડ ઉઘરાણી હોય એમ લાગ્યું કેમ કે જેવી પહોંચ બની કે તરત જ બન્ને સાધુઓની સાથે સાથે કેટલાક સત્સંગીઓ પણ નીચે તરફ ચાલતી પકડી. સાચે જ અઃતકરણના ઊંડાણથી લખું છું કે કેટલીક સજાવટ, ફુલહાર, પૂજાપો અને આરતીની થાળી સાથે મોટે અવાજે આરતીની ગવાતી હોવા છતાં વાતાવરણમાં જરા પણ આધ્યાત્મિકતા પ્રસરી નહોતી! વળી, પેલા બન્ને સાધૂઓમાં મને કશી પવિત્રતા હોવાનો અહેસાસ પણ થયો નહોતો. સાચું કહું છું કે મને એના કરતાં હજારો ઘણી આધ્યાત્મિકતા, પવિત્રતા અને તેજનો અનુભવ એ જ ઘરની પાડોશમાં રહેતા જૈન કુટુંબને ત્યાં અઠવાડીએ એક વખત એકલા વહોંરવા આવતા સાધ્વીજી મારી પાસેથી પસાર થતા ત્યારે થતો હતો.

સાધુઓના જવાની સાથે જ નાસ્તાની વાનગીઓ પર તુટી પડેલા કેટલાક જમાનાના ખાધેલા દેખાતા “સત્સંગીઓ” વચ્ચે મને જેણે ખખડાવી નાખ્યો હતો એ વડીલ કેસરિયું દુધ ટટકાવી રહ્યા હતાં. મેં તેમને સ્વાભાવિક કૂતુહલવશ પુછ્યું કે તમારા આ સાધુઓ ક્યાં ક્યાં કષ્ટ વેઠે છે અને શા માટે એમને એવું બધું કરવાની જરુર પડે છે? તો એમણે મારાથી છટકવા એકદમ ટુંકો જવાબ આપ્યો કે “એ સાધુઓ ખુબ જ અઘરું જીવન જીવે છે”! લો બોલો…...

શું કોઈ કામ અઘરું અને કષ્ટદાયક હોય એટલા જ કારણે એને કરતી વ્યક્તિને પવીત્ર શા માટે માની લઈ શકાય? પર્વતની ટોચ પર જઈને નીચે ખીણમાં કુદકો મારવો એ અઘરું છે એટલે એવું કરનારાને આપણે પવીત્ર કહેવાનું? એમ તો તમે સાપની જેમ ફક્ત એક દીવસ માટે શરીરને ઘસડી ઢસડીને ચાલી બતાવો! તમે મને બે દીવસ સાધુજીવન જીવવાની ચૅલેન્જ કરો છો પણ ખરી વાત તો એ છે કે મને આવા “કહેવાતા” સાધુજીવનમાં કશુંય અઘરું દેખાતું નથી. દુનિયામાં લાખો લોકો એમના કરતાં પણ અનેક ઘણું અધરું જીવન મજબૂરીથી જીવે છે!

અઘરું કામ તો પ્રામાણીકપણે જીવનના સંઘર્ષો સામે ઝઝુમવાનું છે. વંઠેલા પતીનો ત્રાસ વેઠીનેય પારીવારીક જવાબદારીઓ નીભાવતી સ્ત્રીની પવીત્રતા તમે જોઈ છે ખરી? વહેમીલી અને ડંખીલી પત્નીની પજવણી મુંગા મોંએ વેઠી લઈને સંતાનોનાં હીત માટે રાતભર ઓવરટાઈમ કરતા પતિનું કષ્ટ તમે કદી મહેસુસ કર્યું છે ખરું? અડધી રાત્રે પાડોશમાં કોઈ બીમાર પડે તો ઉજાગરો વેઠીને તેની સાથે રહેનાર સાચા સ્વજનની સંવેદનાના સાક્ષી તમે કદી થયા છો ખરા? પાડોશીને માટે પોતાની નીદ્રાનો ત્યાગ કરવો, એને તમે કેમ ત્યાગ નથી માનતા? ખરેખર તો આવા લોકોને પવીત્રતા અને મહાનતાને ફક્ત એક ચોક્કસ વેશભુષામાં જ જોવાનું વ્યસન પડી ગયું છે એટલે બીજે બધે પાપ જ પાપ દેખાય છે!

સદીઓથી મોટાભાગના ધાર્મિક વડાઓ ખાસ કરીને “કહેવાતા ધર્મગુરુઓ” હંમેશાં એવું જ કહેતાં હોય છે કે “આત્માનું કલ્યાણ કરવા માટે શરીરને કષ્ટ આપવું જરુરી છે”! પરંતુ મારૂં એવું સ્પષ્ટપણે માનવું છે કે જે શરીરમાં આપણો (કથીત) આત્મા વસે છે એ શરીર પર આત્માના કલ્યાણ માટે જુલમ ગુજારવો એ નરી બેવકુફી છે. ખરેખર તો શરીરને સમજ્યા વગર ફક્ત એકલા આત્માને સમજવાનો પ્રયાસ કરવો એ કુચેષ્ટા છે. શરીરનો વાંક શો છે એ તો કહો! વાંક ના હોવા છતાં પણ શરીરને ભુખ્યું રાખો, એને અર્ધખુલ્લું રાખો, એની પાસે બ્રહ્મચર્ય પળાવો, એને ખુલ્લા પગે તાપમાં દોડાવો, એના વાળ ખેંચી કાઢો, એને જાત જાતના ત્રાસ આપ્યા કરો! ઓ ત્તારી, આવું બધું કરે એ જ મહાત્મા?

ખરેખર તો આ જગતની સૌથી મોટી અજાયબી જ શરીર છે! શરીર ખાઈ શકે છે, પચાવી શકે છે, જોઈ શકે છે, સુંઘી શકે છે, હરીફરી શકે છે, દોડી શકે છે, કુદી શકે છે, વિક્સી શકે છે, નષ્ટ થઈ શકે છે અને એ જ શરીરમાંથી બીજું શરીર પ્રસવી પણ શકે છે એટલે મારૂં તો એવું સ્પષ્ટ માનવું છે કે શરીરને ત્રાસ કે કષ્ટ આપવા કરતાં એને યોગ્ય રીતે વિકસાવવું એ જ સાચું તપ છે.

શરીરની તંદુરસ્તીને ધ્યાનમાં રાખીને ક્યારેક એક ટંક ના જમવું કે ચિત્તપ્રકૃતિને માફકસર રહીને એકાદ દિવસ માટે ભુખ્યા રહેવા સિવાયની બીજી કોઈપણ રીતે ઉપવાસ કરવામાં મને કદીયે તપ દેખાતું નથી. તપ તો બીજાનું પેટ ભરવામાં છે. પોતાના જીવનમાં સામે ચાલીને કષ્ટો વેઠવાં એ ત્યાગ નથી પણ બીજાનાં કષ્ટો દુર કરવા પ્રયત્ન કરવો એ તપ છે. હું ઉઘાડા પગે ચાલું એનાથી જગતને (કે મને) શો લાભ થાય? એના કરતાં એક ગરીબ મજુરના ઉઘાડા પગ માટે તેને ચંપલ લાવી આપું તો તેની તકલીફ જરુરથી ઓછી થાય. પૈસાને અડવાથી પાપ લાગે એ વાત મારા કદી દીમાગમાં બેસતી નથી! પ્રામાણીક પુરુષાર્થ કરીને, વધુમાં વધુ પૈસા કમાઈને, એના દ્વારા બીજાઓનાં જીવનની યાતનાઓ ટાળી શકાય એને હું ધર્મ માનું છું. આવી પડેલાં બધાં કષ્ટો ખુમારીપુર્વક અને પુરેપુરી ઈમાનદારીથી વેઠવાં એ જ જીવનધર્મ છે પરંતુ કષ્ટોને સામેથી કંકોત્રી મોકલવી એ તો મુર્ખામી જ છે!

જે લોકો શરીરને ભાતભાતનાં કષ્ટ આપીને મહાત્મા બની બેસે છે, એ જ લોકોને જ્યારે કોઈ રોગ કે દરદ થાય છે ત્યારે સારામાં સારા ડૉક્ટર અને સૌથી શ્રેષ્ઠ હૉસ્પીટલમાં સારવાર કરાવે છે. વાહનનો ઉપયોગ નહીં કરનારાઓને પણ વીમાનમાં તાત્કાલીક સારવાર માટે છેક વિદેશમાં લઈ જવાય છે. આમાં પણ વ્યક્તિ જે તે ફિરકામાં જેટલા ઊચ્ચ સ્થાને એટલી ઊચ્ચ કક્ષાની સારવાર! કેમ ભાઈ? આમ તો તમે કહો છો કે શરીર નાશવંત છે અને શરીરને કષ્ટ આપવું જ ધર્મ છે એનાથી તપોબળ વધે છે! તો શું આવા “કહેવાતા” મહાન લોકોને પોતાના સંચિત કરેલા તપોબળ ઉપર જ વિશ્વાસ નથી? વિશ્વાસ હોય તો પછી પોતાના સંપ્રદાયના અનુયાયીઓ માટે એ જ તપોબળનું એક ઉત્તમ ઊદાહરણ પુરૂ પાડવાની તક મળવા છતાં કેમ દાખલો બેસાડતા નથી? જ્યારે બીમારી આવે ત્યારે તેનું કષ્ટ વેઠવાની ત્રેવડ કેમ નથી બતાવતા?

જો માની લઈએ કે આવી વ્યક્તિ પોતાની કાળજી લેતાં લોકોની માગણીને વશ થઈને સારવાર કરાવે છે! તો પછી સીધી ને સટ રીતે બે વાત સાબિત થાય છે કે આવી “કહેવાતી” મહાન વ્યક્તિને ગમે તે ભોગે લાંબુ જીવવામાં રસ છે અને એમની સંભાળ લેતાં લોકોને જ એમના તપોબળ વીશે શંકા છે!!! એક તરફ આવી પડેલાં કષ્ટોના ઉપાય માટે પ્રયત્નો કરવા અને બીજી તરફ ન હોય એવાં કષ્ટોને આમંત્રણ આપવાનો ઢોંગ કરવાનો! આવું શા માટે? આ તે કેવી સાધુતા?

હિન્દુ ધર્મશાશ્ત્રો અનુસાર સાધુ એટલે એવો કોઈપણ પવિત્ર વ્યક્તિ કે જે આત્મકલ્યાણના એકમાત્ર હેતુ માટે સંસારિક જીવન છોડીને કોઈ સાધના અથવા આધ્યાત્મિક શિસ્તના માર્ગને અનુસરીને પૂર્ણ રીતે મુક્તિ અને બ્રહ્મના ચિંતન દ્વારા જીવનના ચોથા અને અંતિમ તબક્કા મોક્ષને પ્રાપ્ત કરવા માટે સમર્પિત છે. ખાસ લખવાનું કે આ લાયકાત આજના કળિયુગમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ ધરાવે છે!

વળી, હિન્દુ ધર્મશાશ્ત્રોએ સંતની જે વ્યાખ્યા કરી છે તે પણ આવા “કહેવાતા સત્સંગી”એ જાણવી ખાસ જરૂરી છે. સંત એટલે આત્મકલ્યાણના માર્ગથી પણ આગળ વધીને વિશ્વકલ્યાણ કરી શકવાને સમર્થ એવી વ્યક્તિ કે જે અસાધારણપણે સ્વયં ભગવાનની પવિત્રતા, સમાનતા કે નિકટતા ધરાવતી હોય. આશરે પાચસોથી હજાર વર્ષે માંડ એકાદ વ્યક્તિ (મોટેભાગે તો ઈશ્વરનો જ અવતાર) સર્વમાન્ય રીતે આવા ઉચ્ચ પદ સુધી પહોંચે છે. ફક્ત કોઈ એક ધાર્મિક સ્થળ કે સંસ્થામાં ટોળાંબંધ ભગવા વીંટીને બેસવા કે ઉભા રહેવાથી કોઈ સંત નથી બની જતું! આ પદવી એટલી સસ્તી નથી કે ગમે તે કોઈ અલ્લેલ ટપ્પુને સંત માની લેવાય. કોઈને સંત ગણવાનું માપદંડ તમારૂં માની લેવું કે કોઈ મોટી ધાર્મિક સંસ્થા સાથે જોડાયેલા હોવું કદાપિ ના હોઇ શકે.

કેટલી સિદ્ધિઓ પછી કોણ, ક્યારે અને કેવી રીતે સર્વસ્વીકૃત સંત બને છે એને માટે એક જ દ્રષ્ટાંત કાફી છે. ભારતમાં કદાચ એક ટકાથી પણ ઓછા લોકો સંત મધર ટેરેસા વિશે જાણતા હશે કે જેમણે પોતાનું સમગ્ર જીવન ભારતના ગરીબ અને બીમાર લોકોની કાળજી લેવા માટે સમર્પિત કર્યું. ઓર્ડર ઓફ ધ મિશનરિઝ ઓફ ચૅરિટી નામની સંસ્થાના સ્થાપક આ મહાન મહિલાને તેમના અસાધારણ સેવાકાર્યોને લીધે ૧૬ દેશોની માનદ નાગરિકતા ઉપરાંત અનેક અસામાન્ય વિશ્વ કક્ષાના પુરસ્કારોથી નવાજવામાં આવ્યા હતા.

૨૦મી સદીના મહાન માનવતાવાદીઓ પૈકીની એક આ વિભૂતિને ૧૯૬૨માં શાંતિ અને આંતરરાષ્ટ્રીય સમજણ માટે રામોન મેગસેસે પુરસ્કાર અને પદ્મશ્રી, ૧૯૬૯માં આંતરરાષ્ટ્રીય સમજણ માટે જવાહરલાલ નેહરુ એવોર્ડ, ૧૯૭૧માં ૨૩મો પોપ જ્હોન શાંતિ પુરસ્કાર, ૧૯૭૩માં ટેમ્પલટન પુરસ્કાર, ૧૯૭૫માં આલ્બર્ટ શ્વેટઝર આંતરરાષ્ટ્રીય પુરસ્કાર, ૧૯૭૬માં પેસમ ઈન ટેરેસ પુરસ્કાર, ૧૯૭૮માં વૈશ્વિક માનવતા, શાંતિ અને ભાઈચારા માટે બાલઝન પુરસ્કાર, ૧૯૭૯માં નોબલ શાંતિ પુરસ્કાર અને પેટ્રોનલ મેડલ, ૧૯૮૦માં ભારત રત્ન, ૧૯૮૩માં ઓર્ડર ઓફ મેરિટ, ૧૯૮૫માં પાંચમાંથી બે પ્રેસીડેન્સીયલ મેડલ ઓફ ફ્રીડમ, ૧૯૯૪માં ઓર્ડર ઓફ સ્માઇલ અને ગોલ્ડન ઓનર ઓફ નેશન, ૧૯૯૫માં ગ્રાન્ડ ઓર્ડર ઓફ ક્વીન જેલેના અને ૧૯૯૭માં કોંગ્રેસનલ ગોલ્ડ મેડલથી સંન્માનીત કરવામાં આવ્યા હતા.

તેમ છતાં ૧૯૯૭માં તેમના અવસાન પછી ૭૬૦૦થી વધારે ચર્ચ અને બીજી સમાન હેતુ ધરાવતી સંસ્થાઓનો હકારાત્મક અભિપ્રાય મેળવાયો ત્યારે જઈને તેમના મૃત્યુ પછી છેક ૧૯વર્ષે ચોથી સપ્ટેમ્બર, ૨૦૦૧૬ ના રોજ પોપ ફ્રાન્સીસે વેટિકન સીટીના સેન્ટ પીટર્સ સ્ક્વેર ખાતે "કલકત્તાના સંત ટેરેસા" તરીકે વિધિવત માન્યતા આપી!!! આને જ કહેવાય “સંત” શબ્દમાં રહેલી ઉંચાઈની સાચી પરિભાષા.

આ તબક્કે મારે એક અવળચંડાઈ પ્રત્યે પણ સૌનું ધ્યાન દોરવું છે કે કેટલાક “ખાસ” લોકો પૂરતું જાણ્યા સમજ્યા વીના જ સ્ત્રીઓને ફક્ત તે સ્ત્રી હોવાને લીધે છાસવારે અપમાનિત કરી દુર રાખે છે! આવા લોકો ગમે તેટલા મહાન અને ઊચ્ચાસને બિરાજમાન હોય તો પણ તેમનો હું સખત વિરોધ કરૂં છું. કોઈ વ્યક્તિનું સ્વેચ્છાએ આદર સન્માન જાળવવા થોડું સલામત અંતરે રહેવાનું હોય તો ઠીક છે પરંતુ જો ફરજિયાત રીતે મારી માતા, બહેન, પત્ની, પુત્રી કે ઘરની બીજી સ્ત્રીઓને અમુક ચોક્કસ સમય માટે અને એ પણ કેટલાક “કહેવાતા સાધુઓ અને સત્સંગીઓ”ના જ માનાર્થે અને લાભાર્થે એક રૂમમાં પુરાવું પડે તો હું ખુદ ભગવાનને પણ મારા ઘરે ”પધરામણી” કરવાની સ્પષ્ટ ના પાડી દઉં.

આખી દુનિયા આજે સ્ત્રીઓનું એક વિશેષ મહત્વ સ્વિકારી ચૂકી છે. ભારત અને એના બધાં જ પાડોશી દેશો સહિત વિશ્વના ઘણા દેશમાં સ્ત્રીઓ રાષ્ટ્રના સર્વોચ્ચ સ્થાન સુધી પહોંચી છે, અવકાશ ખેડી ચૂકી છે, રમત ગમત અને સાહિત્યથી માડીને વેપાર અને વિજ્ઞાનના ક્ષેત્રે અનેક અનન્ય સિદ્ધિઓ મેળવી ચૂકી છે. દેશની સર્વોચ્ચ અદાલતે પણ હવે તો સ્ત્રીઓના મંદિર, મસ્જિદ કે જ્યોતિર્લિંગ જેવા ધર્મસ્થાનોમાં જ નહીં પણ પંદરસોથી વધુ વર્ષોથી સ્ત્રીઓને પ્રવેશ નહીં આપતા સબરિમાલા જેવાં મંદિરમાં સ્ત્રીઓને દર્શન કરવાનો કાયદેસરનો હક આપ્યો છે. એટલું જ નહીં હવે તો ફક્ત સ્ત્રી નહીં વ્યંઢળ પણ મહામંડલેશ્વરની ગાદી પણ દિપાવે છે ત્યારે આવું શરમજનક, છીછરૂ, તદ્દન જડ અને ઊપેક્ષાભર્યુ વલણ કોઈ કાળે ચલાવી શકાય નહીં.

સ્ત્રીઓને જોવા માત્રથી દુર રહેવાથી કોઈ વ્યક્તિ અસાધારણ બ્રહ્મતેજ સંચિત કરી શકે એ વાત મારા મતે સદંતર વાહિયાત છે. વળી, એ જ તપોબળ અને પવિત્રતા એટલી હદે તકલાદી હોય છે કે એક નાની બાળકી ઉપર દ્રષ્ટિ પડી જવા માત્રથી નાશ પામે છે! મારૂં એવું દ્રઢપણે માનવું છે કે આવો નિયમ પાળવો એ એક એવો હીન પ્રયાસ છે કે જેનો એકમાત્ર હેતુ પોતાને બીજાથી જુદા અને ઊંચા બતાવવાનો છે!

કોઈ સ્ત્રીને જોવી કે ના જોવી એ તમારી ઈચ્છાની વાત છે. સ્ત્રીને જોઈ લેવાથી નુકસાન થતું હોય તો એ તમારી સમસ્યા છે. તેજ નાશ પામવાનો ડર હોય તો બહાર જ ના નીકળો. નીકળવું જ પડે તો એના માટે જાતે જ જરૂરી સાવધાની રાખવાની હોય બીજાએ નહીં. જાતે જો યોગ્ય ગોઠવણ ના કરી શકો તો આંખે પાટા બાંધીને નીકળો! શા માટે તમારે તમારી માનસિક વિકૃતિને પોસતો કોઈ નિયમ બીજાઓ ઉપર પરાણે જબરજસ્તીથી ઠોકી બેસાડવો પડે છે? અને એમાંય કોઈની જરા અમથી ભુલ માટે છેક ના કહેવાનું બોલવાનો હક તમને કોણે આપ્યો? ફકત એટલું જ સમજો કે તમારા જેટલી જ હલકાઈ પર જો બીજા લોકો પણ ઉતરી પડે તો તમારા પ્રસંગનું ગૌરવ કેવી રીતે જળવાશે?

સત્ય એ છે કે હંમેશાં બીજાની સારપનો દુરઉપયોગ કરી પોતાની છાપ ઊપસાવવા તત્પર રહેતા આવા લોકો સત્સંગી નહીં અસામાજિક તત્ત્વો છે. એમને સમાજમાં નિરંકુશ વિચરવા દેવામાં છેવટે તો જે તે સંપ્રદાયે જ સહન કરવાનું આવશે. એક વર્ષની નાની બાળકીને સાધુઓના તપનાશક પરિબળ તરીકે મુલવતા આવા અજ્ઞાની અને અસંસ્કારી લોકોને સ્ત્રી તત્વનું હિંદુ ધર્મશાશ્ત્રોમાં કેટલું ઊચું સ્થાન છે તેની જાણકારી આપીને અહીં હું મારી ફરજ બજાવું છું.

હિંદુ ધર્મગ્રંથો બ્રહ્માંડની સમસ્ત ચેતનાને મૂળભૂત સ્ત્રીતત્વ ગણી તેને પરમપિતા ઈશ્વરના અવિભાજ્ય અંગ તરીકે જ સ્વિકારે છે. હિંદુ શાશ્ત્રોએ ઇશ્વરને ત્રિગુણાત્મક માન્યા છે. જે પળે ઈશ્વરે એકના અનેક થઈને આ અનંત લીલામયી સૃષ્ટિની રચના કરી તે પળથી જ ઈશ્વર પોતે જડ, ચેતન અને સમયના ત્રણ સ્વરૂપમાં વિભાજિત થઈને સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત થઈ ગયા. તે અનુસાર સગુણ સાકર હોય કે નિર્ગુણ નિરાકાર હોય, ઈશ્વરનું કોઈ પણ રૂપ કોઈપણ સમયે જડ અને ચેતન મળીને જ પુર્ણ ગણાય. હિંદુ ધર્મના સૌથી પ્રાચીન અને અંતિમ પ્રમાણ ગણાતા એકમાત્ર ગ્રંથ ઋગવેદનું દેવી સુક્ત સ્ત્રીની શક્તિને જ અખિલ બ્રહ્માંડના સાર તરીકે જાહેર કરે છે, જે બ્રહ્માંડની તમામ આધ્યાત્મિક અને પ્રયોગમૂલક વાસ્તવિકતા (બ્રાહ્મણ), આત્મા (સર્વોચ્ચ સ્વ) બાબતો અને શાશ્વત અને અનંત ચેતનાનું સર્જન કરે છે.

મોટા ભાગના હિંદુ ઉપનિષદો, શાસ્ત્રો અને પુરાણોમાં સ્ત્રીની તમામ ભૂમિકાઓ જેવી કે બાળકી, આજ્ઞાંકિત પુત્રી, કુમારીકા, નવોઢા, ગૃહિણી અને માતાનું ખુબ જ ઉંચ્ચ મુલ્યાંકન છે, ખાસ કરીને દેવી ઉપનિષદ, દેવી મહાત્મ્ય અને દેવી-ભાગવત પુરાણમાં સ્ત્રીને દેવીનું સ્થાન આપી સૌથી શક્તિશાળી અને સશક્તિક શક્તિ તરીકે પુજવામાં આવી છે. મનુસ્મૃતિમાં તો ખુબ જ ભારપૂર્વક જણાવ્યું છે કે "સ્ત્રીઓને સન્માનિત અને શણગારીત રાખવી જોઈએ" અને "જ્યાં સ્ત્રીઓને માન આપવામાં આવે છે ત્યાં જ દેવતાઓ આનંદ કરે છે અને ઈચ્છિત ફળ આપે છે પરંતુ જ્યાં સ્ત્રીનું યોગ્ય સન્માન જળવાતું નથી ત્યાં કોઈ ફળ આપતા નથી અને નારાજ રહે છે".

મારે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક લોકોની જડ ધાર્મિકતા તરફ પણ સૌનું ધ્યાન દોરવું છે. છેલ્લા થોડા વર્ષોથી ઘણા બધા લોકોને એવો અનુભવ થાય છે કે આમાંના કોઇને મળતી વખતે તમે એમની આસ્થાનો આદર કરીને “જય સ્વામિનારાયણ” બોલો તો સામે તેઓ “જય સ્વામિનારાયણ” જ બોલશે, તમે શેમાં આસ્થા ધરાવો છો તે જાણવા છતા તમારા જેટલી સહિષ્ણુતા દાખવી જય શ્રી કૃષ્ણ, જય ભોલે કે જય શ્રી રામ નથી બોલતા! એમાંય જો જય અંબે, જય માતાજી કે જય ગાયત્રી બોલવાનું કહેશો તો એમનું મ્હોં ત્યાં જ ઝાડો છુટી ગયો હોય તેવું થઈ જશે!

હું એક સુખી વિધવા બહેનને પાંત્રીસ વર્ષોથી ઓળખું છું. એમને જો તમે એવું પુછો કે આવું કેમ કરો છો? તો તરત જ તમારૂં મ્હોં તોડી લઈને “અમારા ધરમમાં જે કી’ધું છે એમ અમે કરીએ છીએ ફા’વે તો મારી સાથે બોલવાનું, ના ફા’વે તો તમે તમારા ઘેર ને હું મારા ઘે’ર, વાત થાય પુરી” કહીને છેક સબંધ તોડી નાંખવા પર ઉતરી આવશે! એ બહેન નવરાત્રિમાં ગરબા રમવા, બીજી બહેનો સાથે બેસવા તો આવશે પણ આરતીની તૈયારી થાય કે તરત ઘરે જતાં રહેશે!

નવાઇની વાત તો એ છે કે આ જ બહેનના ઘરે બે દાયકા પહેલાં ભગવાન સત્યનારાયણની કથા અને નવચંડી જેવાં પ્રસંગોનો હું સાક્ષી રહ્યો છું. એમના જ ઘરના મુખ્ય રૂમમાં સામસામી દિવાલે અંબાજી અને શિવપાર્વતીના મોટા ફોટા મેં ઘણા વર્ષો સુધી જોયા છે. આજે એના જ સ્થાને સ્વામિનારાયણ ભગવાન અને હાલના એમના ફિરકાના વડાના એનાથી મોટા ફોટા છે અને બીજા રૂમમાં દિવંગત આચાર્યનો ઘણો મોટો કહી શકાય એવો ફોટો છે.

આ બહેનમાં ભણ્યાં નહી હોવાથી સાદું અક્ષરજ્ઞાન પણ ધરાવતા નથી તેમ છતાં આટલી હદે એમનામાં ધાર્મિક જડતા ક્યાંથી અને કેવી રીતે આવી? મારી આસપાસના અમુક લોકોમાં આવેલા બદલાવ પરથી મારૂં માનવું છે કે છેલ્લા દોઢેક દાયકાથી એમનામાં આવી ધાર્મિક જડતા વ્યવસ્થિત આયોજનબદ્ધ રીતે સિંચવામાં આવે છે! કેટલાક ચોક્કસ હિત ધરાવતા લોકો બીજાથી પોતાનું કુંડાળું મોટું કરવા ઈશ્વરના એક નામ સ્વરૂપ અને એને આધારિત ધર્મના નામે આવી જડતા પોષીને પોતાના અનુયાયીઓની સંખ્યા વધારવાની રીતસરની હરિફાઇમાં ઉતરી પડ્યાં છે!

મૂળ વાત એ છે કે પરમેશ્વરના જ અંશરૂપ હોવાથી દરેક જીવમાં તેને પામવાની ખેવના જન્મજાત રહેલી હોય છે, પામી ના શકાય તો છેવટે એની કૃપા સદા પોતાની ઉપર બની રહે એવું તો દરેક જીવ ઈચ્છે છે. આ એકમાત્ર કારણે જ સદીઓથી માનવી ઈશ્વરને ભજતો આવ્યો છે. જેમ જુદા જુદા સ્થળોએ વસતાં બાળકો પોતાની માતાને માં, બા, આઈ, અમ્મા, મોમ કે મમ્મી કહીને બોલાવે છે એ જ રીતે વિશ્વના અનેક લોકો હજારો વર્ષોથી જે તે સ્થળ, સમય અને પોતાની શ્રદ્ધા અને માન્યતા અનુસાર પરમેશ્વરને ભગવાન, અલ્લાહ, ગોડ અને વાહે ગુરૂ જેવાં નામથી પૂજતા ભજતાં આવ્યાં છે. બીજી તરફ દરેક માનવીની આ જન્મજાત લાક્ષણિકતાનો કેટલાક લોકો અને ધાર્મિક સંસ્થાઓ ભરપુર ગેરલાભ ઊઠાવે છે!

સમસ્ત બ્રહ્માંડનું એક માત્ર અંતિમ સત્ય જો કોઈ હોય તો તે ઈશ્વર છે. આજ સુધી થઈ ગયેલા તમામ લોકો અને આજની તારીખે હયાત હોય એવી દરેક વ્યક્તિ “ઈશ્વર સત્ય છે” અને એનાથી વધીને બીજું કશું જ નથી એવું કોઇપણ જાતની આનાકાની વિના બેધડક ખોખારીને કહે છે. વેદોએ “સત્યમ્ શિવમ્ સુંદરમ્” દ્વારા પરમપિતા પરમેશ્વરના કલ્યાણકારી શિવરૂપને અંતિમ સત્ય ગણાવી એનાથી વધુ સુંદર બીજું કશું જ નથી એવું અપ્રતિમ મહિમામંડન કર્યું છે. શિવ એટલે કલ્યાણ, વેદો અહીં વિશાળ અર્થમાં ઈશ્વરનું અંતિમ નામ સ્વરૂપ શિવ છે એવું કહે છે પણ સાથે સાથે સ્પષ્ટતા કરે છે કે પરમપિતા પરમેશ્વર તો બ્રહ્માંડના બધા જ દ્રશ્ય અદ્રશ્ય તત્વો અને સજીવ નિર્જીવ પદાર્થોમાં જડ અને ચેતનરૂપે અનેકવિધ રીતે વ્યાપ્ત છે એટલે એને કોઈ એક જ નામ કે સ્વરૂપમાં સિમિત કરી દેવો એ નરી મૂર્ખતાભરી કુચેષ્ટા છે.

હિંદુ ધર્મના સૌથી પ્રાચીન, અંતિમ અને આધારભૂત ગ્રંથ હોવા છતાં વેદોએ ઈશ્વરના નામ, રૂપ અને ગુણ અપરંપાર ગણાવી એનું નિરૂપણ કરી શકવાની જે અસમર્થતા વ્યક્ત કરી છે તેને શિવમહિમ્ન સ્તોત્રના રચયિતા પુષ્પદંતે નીચેના એક જ શ્લોકમાં ખુબ જ સચોટ રીતે રજુ કરી છે:

असित-गिरि-समं स्यात् कज्जलं सिन्धु-पात्रे।
सुर-तरुवर-शाखा लेखनी पत्रमुर्वी।।
लिखति यदि गृहीत्वा शारदा सर्वकालं।
तदपि तव गुणानामीश पारं न याति।।
(જો સર્વે મહાસાગરોના જળની શાહી બનાવીને પર્વત સમાન ખડિયામાં ભરીને મોટા વૃક્ષની ડાળની કલમ વડે માતા સરસ્વતી સ્વયં સદાકાળ લખતી રહે તો પણ (હે પરમેશ્વર) આપના નામ, સ્વરૂપ અને ગુણોનો પાર આવવો શક્ય નથી).

હકીકતમાં પરમેશ્વર પોતે “અનેકરૂપ રૂપાય” હોવાથી દરેક જીવમાં કોઈ ને કોઇ આગવા અને અસાધારણ સુક્ષ્મ રૂપે વસેલો હોવાથી દરેક જીવ બીજા જીવથી આશ્ચર્યજનક રીતે શારીરિક અને માનસિક રીતે જુદો હોય છે. આ જુદાપણું દરેક જીવને સંપૂર્ણ સ્વતંત્ર રીતે વિચારવા અને પોતે વિચારીને જે નિષ્કર્ષ પર પહોચ્યો હોય તેને જ સાચું માનવા પ્રેરે છે, એટલે તો કહેવત બની છે કે “તુંડે તુંડે મતિર્ભિન્ના”! આ ભિન્નતાને કારણે પોતે જેને ભજે છે એને એ જ નામ સ્વરૂપે ભજવાવાળાઓની જેમ જેમ સંખ્યા વધતી જાય છે તેમ તેમ એ નામ સ્વરૂપ જ અંતિમ એવી માન્યતા વધુને વધું દ્રઢ થતી જાય છે!

અનેક વર્ષોથી સમાજ ઈશ્વરના નામ સ્વરૂપથી જ નહીં પરંતુ ધર્મથી પણ વિભાજીત થતો આવ્યો છે એટલે ધર્મ શબ્દને ઓળખી લેવો જરૂરી છે. હિન્દુ ધર્મશાશ્ત્રોએ ધર્મની ફક્ત એક જ લીટીની સીધી અને સરળ વ્યાખ્યા કરતાં કહ્યું છે કે "ધર્મ એટલે એવું વર્તન કે જેનાથી જીવન અને બ્રહ્માંડ (સૃષ્ટિ)ના વિકાસને યોગ્ય વેગ મળી રહે" જેમાં એ બધાં જ શુદ્ધિકરણ અને નૈતિક પરિવર્તન સંબંધિત સિદ્ધાંતો, ફરજો, અધિકારો, કાયદાઓ અને ગુણોનો સમાવેશ થાય જે મનુષ્યના જીવનને સાચા(કલ્યાણના) માર્ગે લઈ જાય.

સંસારનો ધર્મ નીભાવતાં આવડે તો અધ્યાત્મની ગલીઓમાં ભટકવાનું જરુર અટકી જાય. સંસારમાં રહીને આપણે પતિધર્મ, પુત્રધર્મ, પિતાધર્મ, માતૃધર્મ, વડીલધર્મ, પડોશીધર્મ, શીક્ષકધર્મ, વેપારીધર્મ, તબીબીધર્મ વગેરે અનેક ધર્મો નીભાવી શકીએ છીએ. સંસારનાં સુખો ભોગવતાં ભોગવતાં પણ મોક્ષનું માધુર્ય માણી શકાય છે. જેને એવું માધુર્ય માણતાં આવડતું હોય તેણે કાલ્પનીક મોક્ષસુખ માટે ફાંફાં મારવાં પડતાં નથી. ફક્ત અધ્યાત્મના નામે સંસારને સળગાવી મારવામાં કશું ડહાપણ નથી.

ઘણા લોકોને પશુ–પંખીઓ અને જંતુઓ માટેની જીવદયામાં જ ધર્મ દેખાય છે. એવી જીવદયાનો વીરોધ નથી પરંતુ જો બીજા માનવીની લાચારી પ્રત્યે હમદર્દી ન જાગે તો પેલી જીવદયા શોભતી નથી. દરેક જીવ માટે સમાન આદરભાવ હોવો એ ધર્મ છે. ગાયને ભલે માતા કહીને તેની પુજા કરીએ પણ એ નગ્ન હશે તો એની ઈજ્જત સામે ખતરો નથી. જ્યારે કોઈ દરીદ્ર સ્ત્રીને તન ઢાંકવા વસ્ત્ર નહીં હોય તો તે શી રીતે બહાર નીકળશે? એવો વીચાર ના આવવો એ પણ એક પાપ છે.

રોજ કુતરાને રોટલો નાંખીને પૂણ્ય કમાઈ લેવામાં માનતા લોકોએ એ પણ સમજવું જોઈએ કે એક માણસ પાંચ કુતરાનું પેટ ભરી શકશે પણ પાંચસો કુતરા ભેગા મળીને એક માણસનું પેટ નહીં ભરી શકે! એક માણસ પાંચ હજાર પશુઓ માટે જળાશય બનાવી શકશે પણ પાંચ હજાર પશુઓ ભેગાં મળીને એક માણસ માટે એક પવાલું પાણી નહીં લાવી શકે. અનેક બીમાર પશુઓ માટે માણસ હૉસ્પીટલ બનાવી શકશે પણ પશુઓ કદીયે માણસ માટે હૉસ્પીટલ નહીં બનાવી શકે. એટલે માણસ ઓશીયાળો ન બને એ જરુરી છે. જીવદયાના કેન્દ્રમાં માણસ જ રહેવો જોઈએ. પશુપંખીઓ કુદરતી રીતે જીવવા મરવા ટેવાયેલાં હોય છે પરંતુ માણસે સર્વ પ્રાણીઓ સાથે સામાજીક રીતે જીવવાનું છે એટલે માણસે બીજા માણસની શક્ય હોય એટલી મદદ કરવી એ જ સાચો ધર્મ છે. ટુંકમાં, માણસાઈથી મોટો કોઈ ધર્મ નથી.

સ્વામિનારાયણ સંપ્રદાયના બધા જ ફિરકાઓના અનુયાયીઓમાં હદઊપરાંત રીતે વ્યાપેલી આ ધાર્મિક જડતા સંદર્ભે મેં જ્યારે ઝીણવટથી અભ્યાસ કર્યો ત્યારે જાણવા મળ્યું કે આ સંપ્રદાયમાં છેક શરૂઆતથી જ વેદો, ઊપનિષદો, પુરાણો અને હિન્દુ ધર્મના બીજા આધારભૂત શાશ્ત્રોનો અભ્યાસ, આધ્યાત્મિક જ્ઞાન અને બૌધ્ધિક વિકાસ વગેરેનું ખાસ મહત્વ રહ્યું નથી. હિન્દુ ધર્મના પાયામાં મોક્ષ સર્વોત્તમ લક્ષ્ય હોવા છતા લૌકિક વ્યવહારને અવગણીને અધ્યાત્મની સાધનાને માર્ગે ચાલવાની સલાહ ભગવાન સ્વામિનારાયણ નથી આપતા. તેઓ બ્રહ્મસૂત્રના આગ્રહી હતા એવું જોવા મળે છે પરંતુ શિક્ષાપત્રીમાં તેઓએ મહદ અંશે યોગ્ય અને વ્યવહારિક જીવન અંગે જ માર્ગદર્શન આપ્યું છે. એનું એકમાત્ર કારણ એ છે કે આ સંપ્રદાયનો ઉદયકાળ ગ્રામલક્ષી રહ્યો છે. વડતાલ, સારંગપુર, કારિયાણી, લોયા, પંચાળા અને ગઢડા જેવા ગામડાઓમાં જ આ પંથનો પ્રભાવ પથરાયેલો જણાય છે. વિચરણના ઇતિહાસમાં પણ ભગવાન સ્વામિનારાયણે શહેરો કરતા ગામડાઓને વધુ પ્રાધાન્ય આપ્યું છે. તેમના ઉદયકાળમાં શિક્ષણનો સદંતર અભાવ, ગરીબી, અંધશ્રદ્ધા, શોષણ, રોગચાળા, વર્ગભેદ જેવા દુષણોના વ્યાપક પ્રભાવને લીધે સામાજિક અસમાનતા, જુઠ્ઠ બોલવું, છેતરપીંડી, ચોરી, લુંટફાટ, દારૂ- જુગાર, વ્યભિચાર વગેરે બદીઓ સામાન્ય હતી. આ બધું ધ્યાનમાં રાખીને ગામડાઓની અભણ પ્રજાના નૈતિક જીવનના ઉત્થાન માટે વધુ પ્રવૃત્તિઓ થઇ છે. આજે પણ સ્વામિનારાયણ ભગવાનની આરતી પુરી થાય એટલે તરત જ "ચોરી ન કરવી, જુઠ ન બોલવું, પરસ્ત્રીને હાથ ન અડાડવો" જેવી સામાન્ય સલાહો મોટેથી સામૂહિક રીતે ગવાય છે. બીજી તરફ, આ જ કારણોસર શરૂઆતના ગાળામાં શહેરી અને શિક્ષિત લોકોએ આ પંથની ખાસ નોંધ લીધી નથી અને લોકનિષ્ઠ પ્રવૃતિઓમાં પણ સહભાગી બન્યા નહિ. ભગવાન સ્વામિનારાયણે પરંપરાગત ઉત્સવો, પારાયણો તથા સમૈયાઓ વારંવાર યોજીને તેના માધ્યમથી જનસમૂહ એકત્રિત કરીને લોકજીવનને ઉર્ધ્વગતિ આપવામાં અને મંદિરો વડે ધર્મજાગૃતિ પેદા કરવાને પ્રાધાન્ય આપ્યું છે. તેઓ વચનામૃતમાં કહે છે કે, અમે ત્યાગનો પક્ષ મોળો કરીને ભગવાનની ઉપાસના પ્રર્વતાવ્યા સારું મંદિરો કરાવ્યા છે. જેને અનુસરીને આ સંપ્રદાયના જુદા જુદા ફિરકાઓ દ્વારા દુનિયામાં ૧૦૦૦ થી વધુ મંદિરોનું નિર્માણકાર્ય થયું છે જેમાં ગુજરાતમાં સૌથી વધુ મંદિરો થયા છે. આ સંપ્રદાય સ્ત્રીઓ પ્રત્યેના અભિગમના કારણે બૌદ્ધિકોમાં વિવાદાસ્પદ બન્યો છે. એવી પણ આલોચના કરવામાં આવે છે કે આ સંપ્રદાયમાં સ્ત્રીઓ વિશે અન્યાયપૂર્ણ વર્તન અને વ્યવહાર થાય છે અને સ્ત્રીઓને સમાન હક્કથી વંચિત રાખવામાં આવે છે. લગભગ બધા જ અનુયાયીઓ દૃઢપણે માને છે કે સ્ત્રીઓને સમાન હક્ક આપવાથી વ્યવસ્થા ડગમગે અને નેતા સ્થાપી ન શકાય. શ્રી સ્વામિનારાયણ ભગવાને પોતે જ સ્ત્રીઓને પુરુષોના અધિકાર અને સામ્રાજ્યને વશ થઈ રહેવાનો આદેશ આપ્યો છે. વળી, તેમણે પુરુષ અનુયાયીઓને આજ્ઞા કરી છે કે સ્ત્રીઓ પાસેથી ધર્મ ઉપદેશ ગ્રહણ કરવો નહીં. એટલું જ નહીં, વિધવાઓને ઘરનાં પુરુષોના આધિપત્યમાં રહેવાનું અને અન્ય કોઇ પુરુષ પાસેથી કોઇ પણ ક્ષેત્રનું જ્ઞાન મેળવવાની મનાઈ કરી હતી.

છેલ્લે સ્વામિનારાયણ સંપ્રદાયના કેટલાક “કહેવાતા સત્સંગીઓ”ને મારે એટલું કહેવું છે કે જાહેરમાં તમારૂં મ્હોંઢુ બંધ રાખો કારણ કે એટલું સખત ગંધાય છે કે સમાજમાં વિખવાદ, વેરઝેર અને વૈમનસ્ય ફેલાય છે. ઈશ્વર, ધર્મ, સાધુ, સંત, એમની જીવન પદ્ધતિનું અને ખાસ તો વિવેક, વિનય અને સભ્યતાનું તમને જેટલું જ્ઞાન છે એનાથી અબજો ઘણું વધારે બીજા લોકોને હોય છે અને એટલે જ એ લોકો સંયમ અને શાંતિ રાખે છે. જય સ્વામિનારાયણ……
મહેશ ભટ્ટ

2 comments: