Friday 26 April 2019

સનાતન હિન્દુ ધર્મ અનુસાર નિત્ય પઠન કરવા યોગ્ય પ્રાથમિક મંત્ર સંગ્રહ:

ભલે ને ગમે તે ધર્મમાં માનતાં હોય, છેક પુરાતન કાળથી આ સંસારમાં મોટા ભાગના લોકો ધર્મને માર્ગે ચાલીને ઈશ્વરનું નામ સ્મરણ કરીને જીવન પવિત્ર અને આધ્યાત્મિક રાખવાની અભિલાષા તો ધરાવે જ છે! વળી, આ એકમાત્ર કારણે જ હીંદુ ધર્મ વેદો, ઉપનિષદો, પુરાણો, સૂક્તો, સુત્રો અને સહિંતાઓ જેવાં અનેક શાશ્ત્રો અને સાહિત્યો વડે સમૃદ્ધ છે, અનેક ઋૂષિમૂનિઓએ રામાયણ અને મહાભારત જેવા અગણિત ગ્રંથોની રચનાઓ કરી છે, એટલું જ નહીં તુલસીદાસ, કબીર, નાનક જેવી મહાન વિભૂતિઓએ પોતાના દોહા, ચોપાઈઓ અને ગુરૂબાની જેવી રચનાઓથી અનેક લોકોને ઈશ્વરને ભજતાં ભજતાં ધર્મને માર્ગે ચાલતા કર્યા છે.

એક તરફ સમગ્ર માનવજાતે આ બધાની મોકળાં મને ખુબ જ અહોભાવપૂર્વક પ્રશંસા કરી છે તો બીજી તરફ આ સંદર્ભે મારા કેટલાક મિત્રોને સાથે લઈને મેં ગુજરાતના થોડાંક પસંદગીના શહેરોમાં જુદેજુદે સ્થળોએ પંદર દિવસ કરેલા થોડા નાનાં નાનાં સરવેનું તારણ અત્યંત નવાઈ પમાડે તેવું છે!

મારા સંપર્કમાં આવેલા સોમાંથી નેવું હીંદુઓએ મને મળ્યાં ત્યાં સુધીની તેમની જિંદગીમાં ઉપર જણાવેલા ધર્મશાશ્ત્રોમાંનું કશું પણ વાંચ્યું જ નથી!!! એટલું જ નહીં, એમાંના કોઈને નહીં વાંચ્યાંનો ક્યારેય કોઈ અફસોસ નથી અને એમાં કશો અપરાધભાવ પણ અનુભવ્યો નથી! ઘણાં દુઃખ સાથે લખવું પડે છે કે એમાંના મોટા ભાગના લોકો તો દ્રઢપણે એવું માને છે કે “આ કામ તો સાધુ, સંતો અને ઊપદેશકોનું છે દરેક વ્યક્તિએ આમાંનું કશું જાણવું કે વાંચવું સહેજ પણ જરૂરી નથી”!!! એમના કહેવા મુજબ "એટલી લાંબી લપ્પન છપ્પનમાં પડવાને બદલે આપણે તો સમયની અનુકુળતા મુજબ થાય એટલી ભક્તિ અને પૂજા પાઠ કરી લઈએ છીએ"!!!.....લો બોલો!

વાત ભક્તિ કે પૂજાપાઠની જ કરીએ તો મને જાણવા મળેલું સત્ય ખૂબ જ ચોકાવનારૂં છે! અત્યંત આઘાતજનક કડવી વાસ્તવિકતા એ છે કે નિત્ય પૂજા નહીં કરનારા હીંદુઓની સરેરાશ સાઈઠ ટકાથી વધારે છે!!! એમાંના મોટા ભાગના લોકોએ એવું કહ્યું છે કે ઘરમાં એક જણ પૂજાપાઠ કરે છે એટલે એ પોતે નથી કરતાં!!! બીજી જબરજસ્ત ચોંકાવનારી હકીકત એ છે કે પૂજાપાઠ કે કોઈ શુભ કાર્ય શરૂ કરતાં પહેલાં કરવામાં આવતી ગણેશવંદનાની તો વાત જ જવા દો, મેં સંપર્ક સાંધેલા લોકોમાંથી પચાસ ટકા વ્યક્તિઓને ગણપતિના આશિષ મેળવવા માટે કરાતી “વક્રતુંડ મહાકાય” કે “વિઘ્નેશ્વરાય વરદાય”, દીપ પ્રકટાવતી વખતે બોલાતી “શુભં કરોતિ કલ્યાણં” કે સ્વસ્તિમંત્ર ગણાતી “સ્વસ્તિનો ઈન્દ્રો” જેવા કોઈ મંત્ર વિશે કોઈ જાણકારી જ નહોતી!!! વળી, એમાંની ચાલીસ ટકા વ્યક્તિઓ તો પહેલી જ વારમાં સ્પષ્ટ ઉચ્ચારણ સાથે પુરો ગાયત્રી મંત્ર પણ બોલી શકી નહોતી!!!.......લો બોલો!

સીત્તેર ટકાથી વધારે લોકો માતાજીની, શીવજીની કે પોતપોતાના ઈષ્ટદેવ કે દેવીની આખી આરતી ગાઈ શક્યા નહોતા! સૌથી આશ્ચર્યજનક વાત તો એ હતી કે અમદાવાદ શહેરમાં કેમ્પના હનુમાન તરીકે સૌથી જાણીતા મંદિરમાં દર્શને આવેલા હોવા છતાં મારા સરવેમાંના પચાસ ટકાથી વધારે લોકો સુંદરકાંડની એક પણ કડી સરખી રીતે ગાઈ શક્યા નહોતા, અને અત્યંત શરમજનક વાત તો એ હતી કે એમાંની મોટા ભાગની વ્યક્તિઓ તો પુરી હનુમાનચાલીસા પણ બોલી શકી નહોતી!!!........લો બોલો!

જે પાંત્રીસથી ચાલીસ ટકા નિત્ય પૂજા કરે છે એમાં ત્રીજા ભાગે છોકરીઓ, ગૃહીણીઓ અને વૃધ્ધાઓ એટલે કે મહિલાઓ છે! જ્યારે ત્રીજા ભાગના લોકો પુષ્ટિમાર્ગી વૈષ્ણવ, ગાયત્રી પરિવાર, સ્વાધ્યાય પરિવાર, સ્વામિનારાયણ, બ્રહ્મમાકુમારી જેવા વિવિધ સંપ્રદાયને અનુસરતા હોઈ તેમની નિત્ય પૂજા પણ તે મુજબના રીત રિવાજ પ્રમાણે જુદી જુદી રીતે કરતાં હોય છે! બાકીના લોકોમાં એશીં ટકા નાનો મોટો ધંધો વેપાર કરતા લોકો છે જે પોતાની દુકાન કે ઓફીસને રોજ સવારે ખોલતી વખતે જે વધાવો કે પૂજા કરે છે તેને નિત્ય પૂજા ગણે છે જે અઠવાડિયામાં એક દિવસ બંધ!…...લો બોલો!

ટુંકમાં, અમારા સરવેમાં સંપર્ક સધાયેલા તમામ પંદરસો લોકોમાં હીંદુ ધર્મમાં વૈદિક રીતે સ્વીકૃત નિત્ય કરાતી પરંપરાગત શાશ્ત્રોક્ત પ્રાતઃ અને સાયં પુજા કરવાવાળી એક પણ વ્યક્તિ નહોતી!!!…...લો બોલો!

મારો જાત અનુભવ છે કે કેટલાક લોકો હિંદુ ધર્મમાં ઉંડી આસ્થા હોવા છતાં ફક્ત સંસ્કૃત નહીં આવડતું હોવાથી કારણે વેદ કે ઉપનિષદો તેમને કેટલાક વાંચી શકતા નથી. એક કડવું સત્ય છે કે સનાતન ધર્મ આધારિત બધાં જ મંત્રો વેદ વાક્યો હોવાથી આવા લોકો એનો અર્થ અને મહત્વ નહીં સમજી શકવાને લીધે પૂજા પાઠ કરતાં નથી અથવા એમની પૂજા મહદઅંશે અધુરી રહે છે!

આ વાત ધ્યાનમાં રાખીને મેં અહીં વેદો અને ઊપનિષદોમાંથી સનાતન હિંદુ ધર્મના કેટલાક પસંદ કરેલા શુભ અને સુંદર પ્રાથમિક મંત્રોનો સંગ્રહ તેની જરૂરી સમજુતી સહિત રજુ કરવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે, જેમાં દરેક મંત્રનુ મહત્વ અને એનો ક્રમ શું હોવો જોઈએ તેની પર ખાસ ભાર મૂક્યો છે. જો થોડાક લોકો પણ નીચે દર્શાવેલ મંત્રોનું નિત્ય સવારે અને સાંજે પઠન કરી પોતાનું જીવન સાર્થક કરી શકશે તો તે મારા જીવનની શ્રેષ્ઠ ફલશ્રુતિ બની રહેશે.

નિત્ય પૂજા પ્રાથમિક મંત્ર સંગ્રહ:

૧. હિન્દુ શાસ્ત્રો કહે છે કે આપણી હથેળીમાં બધા પ્રમુખ દેવી-દેવતાઓ નિવાસ કરે છે. સવારે જાગતાં વેંત બે હથેળીઓ ભેગી રાખી દર્શન કરી નામ સ્મરણ કરવાથી આપણી ઉપર દિવસ દરમ્યાન તેઓની શુભ દ્રષ્ટિ રહે છે.
પ્રાતઃ કર-દર્શનમ મંત્ર:
कराग्रे वसते लक्ष्मीः करमूले सरस्वती। करमध्ये तु गोविन्दः प्रभाते करदर्शनम्॥

૨. સ્નાન કરતી વખતે ભરતખંડની સાત મુખ્ય નદીઓનું આવાહન કરવાથી શરીરની શુદ્ધતા અખંડ રહે છે.
શુદ્ધિ સ્નાન મંત્ર:
गंगे च यमुने चैव गोदावरी सरस्वती। नर्मदे सिन्धु कावेरी जले अस्मिन् सन्निधिम् कुरु॥

૩. શીવપુરાણ અનુસાર દેવાધિદેવ મહાદેવે સ્વયં કહ્યું છે આ સમસ્ત બ્ર્હમાંડમાં કોઈપણ શુભકામના પ્રારંભમાં ગણેશની ઉપાસના થશે.
ગણપતિ સ્ત્રોત:
गणपति: विघ्नराजो लम्बतुन्ड़ो गजानन:। द्वै मातुरश्च हेरम्ब एकदंतो गणाधिप:॥
विनायक: चारूकर्ण: पशुपालो भवात्मज:। द्वादश एतानि नामानि प्रात: उत्थाय य: पठेत्॥
विश्वम तस्य भवेद् वश्यम् न च विघ्नम् भवेत् क्वचित्।
ગણપતિ મંત્ર:
वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभ। निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा।।
शुक्लाम्बरधरं देवं शशिवर्णं चतुर्भुजं। प्रसन्नवदनं ध्यायेतसर्वविघ्नोपशान्तये॥
विघ्नेश्वराय वरदाय शुभप्रियाय। लम्बोदराय विकटाय गजाननाय॥
नागाननाय श्रुतियज्ञविभूषिताय। गौरीसुताय गणनाथ नमो नमस्ते॥
૪. હિન્દુ શાશ્ત્રો ચિરંજીવી હનુમાનજીને ભગવાન શિવના અવતાર ગણીને દ્રઢ વિશ્વાસ ધરાવે છે કે તેમનું નામ લેવા માત્રથી સર્વ કષ્ટો અને અનિષ્ટો નાશ પામે છે.
હનુમાન વંદના:
अतुलितबलधामं हेमशैलाभदेहम्‌। दनुजवनकृषानुम् ज्ञानिनांग्रगणयम्‌।।
सकलगुणनिधानं वानराणामधीशम्‌। रघुपतिप्रियभक्तं वातजातं नमामि॥

હનુમાન મંત્ર:
अंजनीगर्भ संभूतो वायुपुत्रो महाबलः। कुमारों बाल ब्हमचारी हनुमंताये नमोनमः।।
अंजनीगर्भ संभूत कपीन्द्र सचिवोत्तम। रामप्रिय नमस्तुभ्यं हनुमन् रक्ष सर्वदा॥
मनोजवं मारुततुल्यवेगम जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं।
वातात्मजं वानरयूथमुख्यं श्रीरामदूतं शरणम् प्रपद्ये॥
૫. પ્રાચીન આર્ય સંસ્કૃતિમાં સૂર્ય પૂજાને સૌથી વધુ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે કારણ કે આપણી ઊર્જાનું મુખ્ય સ્રોત જ નહીં પરંતુ આપણા ગ્રહમંડળનો મુખ્ય આધાર જ સૂર્ય છે.
સૂર્યનમસ્કાર:
ॐ सूर्य आत्मा जगतस्तस्युषश्च आदित्यस्य नमस्कारं ये कुर्वन्ति दिने दिने।
दीर्घमायुर्बलं वीर्यं व्याधि शोक विनाशनम् सूर्य पादोदकं तीर्थ जठरे धारयाम्यहम्॥
आदिदेव नमस्तुभ्यं प्रसीदमम् भास्कर। दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोऽस्तु ते॥
ॐ मित्राय नम:, ॐ रवये नम:, ॐ सूर्याय नम:, ॐ भानवे नम:,
ॐ खगाय नम:, ॐ पूष्णे नम:, ॐ हिरण्यगर्भाय नम:, ॐ मरीचये नम:,
ॐ आदित्याय नम:, ॐ सवित्रे नम:, ॐ अर्काय नम:, ॐ भास्कराय नम:,
ॐ श्री सवितृ सूर्यनारायणाय नम:|

૬. સૂર્યના ઊગતાંની સાથે જ જેમ આપણી આસપાસનો અંધકાર નાશ પામે છે એ જ રીતે એક દિપ પ્રજ્વલિત કરવાથી જે પ્રકાશ ઉત્પન્ન થાય છે તેનાથી આપણા મનનો અંધકાર નાશ પામે છે એટલે આ મંત્ર દિપ કે અગરબત્તી પ્રગટાવીને કરવો જોઈએ.
દિપ દર્શન મંત્ર:
शुभं करोति कल्याणम् आरोग्यम् धनसंपदा। शत्रुबुद्धिविनाशाय दीपकाय नमोऽस्तु ते॥
दीपो ज्योति परं ब्रह्म दीपो ज्योतिर्जनार्दनः। दीपो हरतु मे पापं संध्यादीप नमोऽस्तु ते॥
૭. હિન્દુ શાશ્ત્રો એકદમ સ્પષ્ટપણે જણાવે છે કે કલ્યાણકારી શિવસ્વરૂપ જ પરમપિતા પરમેશ્વર છે અને જે ક્ષણે તે અનાદિ શાશ્વત સ્વરૂપે લીલા કરીને પોતાને જડ અને ચેતનમાં વિભાજિત કર્યું તે ક્ષણથી આ સમગ્ર વિશ્વ જડ, ચેતન અને સમયના ત્રિગુણાત્મક રૂપે અસ્તિત્વ ધરાવે છે. શિવનું નામ સ્મરણ આપણને મૃત્યુના ડરથી નિર્ભય બનાવે છે અને વ્યક્તિત્વ નિખરે છે.
શિવ સ્તુતિ:
कर्पूर गौरम करुणावतारं, संसार सारं भुजगेन्द्र हारं।
सदा वसंतं हृदयार विन्दे, भवं भवानी सहितं नमामि॥

૮. હિન્દુ શાશ્ત્રો અનુસાર કલ્યાણકરી શિવ સ્વરૂપના અડધા ભાગમાંથી વહેતા ચેતનના મૂળ સ્તોત્રને આદિશક્તિ તરીકે ઓળખાય છે, જેનું સ્મરણ કરવાથી આપણામાં શક્તિ અને ઊર્જાનો સંચાર છે.
આદિ શક્તિ વંદના:
सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थसाधिके। शरण्ये त्र्यम्बके गौरि नारायणि नमोऽस्तु ते॥
હિન્દુ ગ્રંથો અનુસાર દેવાધિદેવ મહાદેવ દ્વારા નિર્મિત બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સંસારમાં પુજવા યોગ્ય ત્રણ પ્રમુખ દેવતાઓ છે. જેમાં બ્રહ્માજીને સૃષ્ટિના સર્જક તરીકે, ભગવાન વિષ્ણુને પાલનહાર તરીકે અને ભગવાન મહેશને સંહારકર્તા તરીકે પૂજવામાં આવે છે.

૯. સકળ બ્રહ્માંડના સર્જક બ્ર્હમાને બધા દેવોના પિતા હોવાથી પરમપિતા બ્રહ્મા કહેવાયા છે. ચાર મુખ હોવાથી ચતુર્મુખી બ્રહ્મા તરીકે ઓળખાતા બ્ર્હમાંડમાં સૌથી વયોવૃદ્ધ પ્રજાપતિ બ્રહ્માએ ચારેય વેદોની રચના કરી છે. બ્રહ્માની ઊપાસના તમામ પ્રકારના વિકારોમાંથી મુક્તિ અપાવી સંસારના તમામ ભૌતિક સંસાધનોની પ્રાપ્તિ કરાવે છે.
બ્રહ્મ ગાયત્રી મંત્ર:
ॐ वेदात्मने विद्महे, हिरण्यगर्भाय धीमहि, तन्नो ब्रह्म प्रचोदयात्॥
ॐ चतुर्मुखाय विद्महे, कमण्डलु धाराय धीमहि, तन्नो ब्रह्म प्रचोदयात्॥
ॐ परमेश्वर्याय विद्महे, परतत्वाय धीमहि, तन्नो ब्रह्म प्रचोदयात्॥

૧૦. હિન્દુ શાશ્ત્રો અનુસાર ભગવાન બ્રહ્મા રચિત આ સમગ્ર બ્ર્હમાંડનું સંચાલન સત્ય, ધર્મ, પ્રેમ, દયા અને વિશ્વાસની અખંડિતતા જળવાઈ રહે તે રીતે ભગવાન વિષ્ણુ કરે છે. તેમનું નામ સ્મરણ કરવાથી આપણને વિશ્વના કોઈપણ પ્રાણીનો ડર રહેતો નથી.
વિષ્ણુ સ્તુતિ:
शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्ण शुभाङ्गम्।
लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम् वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्।।

૧૧. ભગવાન વિષ્ણુના અવતાર પ્રભુ શ્રી રામનું નામ સ્મરણ કરવાથી આપણે સંયમશીલ બની મર્યાદામાં રહીએ છીએ.
શ્રીરામ વંદના:
लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथम्।
कारुण्यरूपं करुणाकरं तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये॥

૧૨. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું નામ સ્મરણ થાય છે ત્યાં હંમેશાં સત્ય અને વિજયનું પ્રભુત્વ હોય છે.
શ્રી કૃષ્ણ વંદના:
मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिम्‌। यत्कृपा तमहं वन्दे परमानन्द माधवम्‌॥

૧૩. પંચમહાભૂતોનું બનેલું સમસ્ત બ્ર્હમાંડ અનેક ગ્રહો અને ઉલ્કાપિંડોની ભરમાર છે, જેનું સર્જન, સંચાલન અને વિસર્જન ત્રિદેવોના હાથમાં છે.
ત્રિદેવ સહિત નવગ્રહ સ્મરણ:
ब्रह्मा मुरारिस्त्रिपुरान्तकारी भानु: शशी भूमिसुतो बुधश्च। गुरुश्च शुक्र: शनिराहुकेतव: कुर्वन्तु सर्वे मम सुप्रभातम्॥

૧૪. હિન્દુ શાશ્ત્રો માનતા આવ્યા છે કે માતા સરસ્વતીનો આપણી વાણીમાં નિવાસ હોય તો જ તેની મધુરતા નિખાર પામે છે.
સરસ્વતી વંદના:
या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रावृता। या वींणावरदण्डमण्डितकरा या श्वेतपदमासना॥
या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा वन्दिता। सा माम पातु सरस्वती भगवती निःशेषजाड्याऽपहा॥

૧૫. પૃથ્વી માતા બધા જીવોને ધારણ કરીને પોષણ આપે છે, તેથી તેમનું ઋણ ચૂકવવું માનવ તરીકેની આપણી પ્રથમ ફરજ બને છે.
પૃથ્વી ક્ષમા પ્રાર્થના મંત્ર:
समुद्र वसने देवी पर्वत स्तन मंडिते। विष्णु पत्नी नमस्तुभ्यं पाद स्पर्शं क्षमश्वमेव॥

૧૬. પૃથ્વી પછી જેમનું ઋણ અદા કરવું અત્યંત આવશ્યક છે તે માતાપિતા છે.  હિન્દૂ પૌરાણિક ગ્રંથ ગરૂડ પુરાણ અનુસાર વિશ્વમાં માતાપિતાથી વધીને અન્ય કોઇ દેવ નથી. હિતકારી ઉપદેશ આપીને સતત આપણું ભલું ઈચ્છવાવાળા આ બે જ પ્રત્યક્ષ દેવ છે  અન્ય તમામ પ્રકારના દેવી-દેવતાઓ શરીરધારી નથી એટલે દરેક મનુષ્યે હંમેશા શક્ય તમામ રીતે માતા-પિતાની પૂજા કરીને તેમનું ઋણ ચૂકવતા રહેવું જોઇએ.
માતૃપિતૃ ઋણ મંત્ર:
पितृमातृसमंलोके नास्त्यन्यद देवतं परम। तस्मात सर्वप्रयत्नेन पूजयते पितरौ सदा।।
हितानमुपदेष्टा हि प्रत्यक्षं दैवतं पिता। अन्या या देवता लोक में देहेप्रभवो हिता।।

૧૭. હિન્દુ ધર્મગ્રંથો અને પુરાણોના નિચોડ અનુસાર ગુરૂ વ્યક્તિને તેના આંતરિક અંધકાર (અજ્ઞાન) અને વિકૃતિઓ દૂર કરી પ્રકાશ માર્ગે દોરી જઈ પરમશાંતિનો અનુભવ થાય એવું જ્ઞાન પ્રદાન કરે છે. શાસ્ત્રોમાં ગુરુને પ્રમુખ ત્રિદેવો બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ સમાન ગણી 'ગુરુબ્રહ્મા', 'ગુરુવિષ્ણુ', 'ગુરુદેવો મહેશ્વર' કહેવામાં આવ્યા છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનું પદ સર્વોચ્ચ છે. ગુરુનો દરજ્જો માતાપિતા ભાઇ, બહેન જ નહીં પરંતુ ભગવાન કરતાં પણ વધારે છે. તેથી, ગુરુ ઋણ અદા કર્યા વિનાની પૂજા અધૂરી માનવામાં આવે છે.
ગુરૂ ઋણ મંત્ર:
गुरूर ब्रह्मा गुरूर विष्णु, गुरु देवो महेश्वरा। गुरु साक्षात परब्रह्म, तस्मै श्री गुरुवे नमः।।

૧૮. સંભવ છે કે અહીં સુધીના મંત્ર પઠન ભગવાનના નામ સ્મરણમાં કોઈ ખામી રહી હોય તો તેને નિવારણ કરવું જરૂરી છે. આપણે પરમ ઈશ્વરીય તત્વને કહેવું જોઈએ કે હું આપનું આવાહન, વિસર્જન અને પૂજા કરવાની રીત જાણતો નથી, મને ક્ષમા કરો, મે જે મંત્રહીન, ક્રીયાહીન અને ભક્તિહીન નામ સ્મરણ કર્યું છે તે આપની કૃપાથી સંપૂર્ણ થાવ. હું દોષી છું પરંતુ તમારી શરણમાં આવ્યો હોઈ આ સમયે આપની દયાને પાત્ર છું. તમને જે ગમે તે કરો. અજ્ઞાનથી, ભૂલથી અથવા બુદ્ધિભ્રષ્ટ થવાથી કશી ઉણપ કે અતિશયોક્તિ થઈ હોય તે બધું માફ કરીને મારી પૂજાને પ્રેમપૂર્વક સ્વીકારો અને મારી ઉપર પ્રસન્ન રહો.
ક્ષમા અંપરાધ મંત્ર (ક્ષમા પ્રાથના):
अपराधसहस्त्राणि क्रियन्तेऽहर्निशं मया। दासोऽयमिति मां मत्वा क्षमस्व परमेश्वारि॥१॥
आवाहनं न जानामि न जानामि विसर्जनम्। पूजां चैव न जानामि क्षम्यतां परमेश्वारि॥२॥
मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं सुरेश्वरि। यत्पूजितं मया देवि परिपूर्णं तदस्तु मे॥३॥
अपराधशतं कृत्वा जगदम्बेति चोच्चरेत्। यां गतिं समवाप्नोति न तां ब्रह्मादयः सुराः॥४॥
सापराधोऽस्मि शरणं प्राप्तस्त्वां जगदम्बिके। इदानीमनुकम्प्योऽहं यथेच्छसि तथा कुरू॥५॥
अज्ञानाद्विस्मृतेर्भ्रान्त्या यन्न्यूनमधिकं कृतम्। तत्सर्वं क्षम्यतां देवि प्रसीद परमेश्वरि॥६॥
कामेश्वंरि जगन्मातः सच्चिदानन्दविग्रहे। गृहाणार्चामिमां प्रीत्या प्रसीद परमेश्वरि॥७॥
૧૯. મારૂં એવું દ્રઢપણે માનવું છે કે અહીં સુધીના મંત્રપઠન અને ઈશ્વરના નામ સ્મરણ પછી મ્હોંમાંથી સૌ પ્રથમ માત્ર સ્વસ્તિવચન જ નીકળવું જરૂરી છે.
સ્વસ્તિ વચન:
ॐ स्वस्ति न इंद्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः।
स्वस्ति नस्तार्क्ष्यो अरिष्ट्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु॥

૨૦. જ્યારે કોઈપણ પ્રાર્થના કે ઈશ્વરનું નામ સ્મરણ થાય છે ત્યારે આસપાસનું વાતાવરણ પવિત્ર બનીને જે ઈશ્વરીય શાંતિ પ્રસરે છે તેને આપણા મનમાં અને આપણી ચારેતરફ પ્રસ્થાપિત કરવાથી દિવ્યતાનો અનુભવ થાય છે.
શાંતિ પાઠ:
ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात्‌ पूर्णमुदच्यते। पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते॥
ॐ द्यौ: शान्तिरन्तरिक्ष (गुँ) शान्ति:, पृथिवी शान्तिराप: शान्तिरोषधय: शान्ति:।
वनस्पतय: शान्तिर्विश्वे देवा: शान्तिर्ब्रह्म शान्ति:, सर्व (गुँ) शान्ति:, शान्तिरेव शान्ति:, सा मा शान्तिरेधि॥
॥ॐ शान्ति: शान्ति: शान्ति:॥

જો તમે સનાતન હિંદુ ધર્મમાં સાચી આસ્થા ધરાવતા હોવ તો તમારે અહીં સુધીનું બધું તેના યોગ્ય અર્થમાં સમજીને રોજ સવારે અને સાંજે તે પ્રમાણે મંત્ર પઠન કરવું જ જોઈએ. પહેલો મંત્ર સવારે આંખ ખુલતાની સાથે જ જ્યાં સુતા હોવ ત્યાં જ કરવામાં આવે છે અને બીજો સ્નાન કરતી વખતે કરવામાં આવે છે. એકવાર મહાવરો થઈ જાય પછી બાકીના બધા જ મંત્રોનું પઠન વધુમાં વધુ આઠ મિનિટમાં જ કરી શકાય છે. આ મંત્ર પઠન તમે કોઈ પણ સમયે, કોઈ પણ સ્થળે, ઊભા ઊભા, બેઠા બેઠા કે સુતા સુતા કે અન્ય કોઈ મુદ્રામાં સ્વગત કે પ્રગટ રીતે કરી શકો છો.

૨૧. ઈશ્વરકૃપાથી જો તમે આ મંત્ર પઠન કરવાનો નિર્ણય કર્યો જ છે તો મારા મતે તમારે “ૐ” મહામંત્રનો જાપ કરવો અત્યંત આવશ્યક અને ફાયદાકારક છે.

હિન્દૂ સનાતન ધર્મમાં દેવ પૂજા, શાશ્ત્ર પ્રવચન, માંગલિક કાર્ય, મંત્ર પઠન, પ્રાર્થના અને ભજન કિર્તન જેવાં ધાર્મિક કાર્યોની શરૂઆતમાં “ૐ” શબ્દનું ઉચ્ચારણ કરવામાં આવે છે. ‘ઓ, ઉ અને મ’ ત્રણ અક્ષરોથી બનતી ૐ ની ધ્વનિમાં અકલ્પનીય ઊંડાણ ધરાવે છે. આ ત્રણ અવાજ બ્ર્હમાંડના મૂળભૂત ધ્વનિ છે જે અમાપ રીતે દર ક્ષણે આપણી આસપાસ વ્યાપ્ત હોવાથી ૐકારને અનહદ નાદ તરીકે ઓળખાય છે. હિંદુ ધર્મ સિવાય અન્ય ધર્મોમાં પણ ૐ શબ્દનું આગવું મહત્વ છે.

ૐ ને પ્રણવ મંત્ર પણ કહેવાય છે. પ્રાચીન ભારતીય ધાર્મિક માન્યતા અનુસાર બ્રહ્માંડના સર્જન પહેલાં પ્રણવ મંત્રનું ઉચ્ચારણ થયું હતું. હકીકતમાં, પ્રણવ નામ સાથે સંકળાયેલા અનેક ઊંડા અર્થ છે જેનું વર્ણન જુદી જુદી પૌરાણિક કથાઓમાં જુદી જુદી રીતે વિસ્તારપુર્વક કરાયું છે. શિવપુરાણમાં, પ્રણવના વિવિધ શાબ્દિક અર્થ અને ભાવ ખુબ સુંદર અને સચોટ રીતે દર્શાવવામાં આવ્યા છે.

'प्र' એટલે પ્રપંચ, 'ण' એટલે નહીં અને 'व:' એટલે તમારા માટે. સાર એ છે કે પ્રણવ મંત્ર સંસારમાં પ્રપંચ થકી ઊભી થતી મુશ્કેલીઓ અને દુઃખ દૂર કરી જીવનના મુખ્ય ધ્યેય મુક્તિ તરફ દોરી જાય છે. અન્ય અર્થમાં, 'પ્ર' એટલે કે પ્રકૃતિથી બનેલા સંસારરૂપી સાગરને પાર કરાવતી ‘ણ’ એટલે નાવ' કહીને પ્રણવને ભવસાગર પાર ઉતારતી નૌકા' તરીકે ઉપમા આપી છે. કેટલાક ઋષિમુનિઓએ પ્રણવનો અર્થ 'प्र' એટલે 'प्रकर्षेण', 'ण' એટલે नयेत् અને 'व:' એટલે युष्मान् मोक्षम् इति वा प्रणव કર્યો છે. જેનો સરળ શબ્દોમાં અર્થ એ થાય છે કે દરેક મનુષ્યને શક્તિ પ્રદાન કરી જન્મ અને મરણના બંધનમાંથી મુક્ત કરાવતો હોવાથી તે પ્રણવ.

ઉપનિષદો અનુસાર ‘ઓ, ઉ અને મ’ની ત્રણ ધ્વનિના એક પછી એક ઉચ્ચારણ થી ૐ શબ્દ બનેલો છે. કરી હતી. સાધક અથવા યોગી તેનું ઉચ્ચારણ ધ્યાન કરતાં પહેલાં અને પછી કરે છે. યોગીઓ એવું માને છે કે ૐ મહામંત્રમાં મનુષ્યની સામાન્ય ચેતનાને પરાવર્તિતની કરવાની શક્તિ છે.

ૐ ના ઉચ્ચારનો પ્રારંભ 'ઓ' થી થાય છે જે ચેતનાનું પ્રથમ સ્તર છે. આ સ્તરે ઇન્દ્રિયો વશ થઈ બહિર્મુખી બને છે જે  સાધકને બાહ્ય વિશ્વ તરફ દોરી જાય છે. આ ચેતનાના સાચા ઉચ્ચારણથી સાધકને શારીરિક અને માનસિક લાભ મળે છે.
તે પછી આવતી ધ્વનિ 'ઉ' ની છે, જ્યાં સાધક ચેતનાના બીજા સ્તર પર જાય છે જેને તેજસ પણ કહેવાય છે. આ તબક્કે, સાધક આંતર્ધ્યાની બનીને પૂર્વ કર્મો અને વર્તમાન આશા વિશે વિચારે છે. આ સ્તરે જરૂરી અભ્યાસ કરવાથી જીવનના તમામ રહસ્યો  ઉકેલાઈ જાય છે, આત્મજ્ઞાન લાધે છે અને મનુષ્ય માયાથી અલગ વિચારવાનું શરૂ કરે છે.

'મ' ધ્વનિના ઉચ્ચારથી ચેતનાના ત્રીજા સ્તરનું જ્ઞાન થાયછે, જેને 'પ્રજ્ઞા' પણ કહેવામાં આવે છે. આ સ્તરે સાધક સ્વપ્નસૃષ્ટિથી આગળ વધી વિશ્વવ્યાપી ચેતનાશક્તિને જુએ છે, પોતાને વિશ્વના એક ભાગ સમજે છે અને આ અનંત બ્ર્હમાંડના મૂળશક્તિ સ્રોતમાંથી શક્તિ મેળવે છે. કેટલીક વ્યક્તિ સાક્ષાત્કારને માર્ગે પણ આગળ વધી શકે છે.

ૐ નું ઉચ્ચારણ કરતી વ્યક્તિના શરીર, મન, મસ્તિષ્ક અને બુદ્ધિમાં આશ્ચર્યજનક ફેરફાર થાય છે, તેના ફેફસા અને હૃદય તંદુરસ્ત બને છે, તે શાંત અને તાણમુક્ત બની સ્વસ્થ થઈ જાય છે અને તેની આસપાસનું વાતાવરણ શુદ્ધ થઈ જાય છે.

હિન્દુ ધર્મ શાશ્ત્રો અનુસાર મૂળ મંત્ર અથવા જપયોગ્ય મંત્ર તો માત્ર ૐ છે. ૐ ના હોવાથી તેની આગળ અથવા પાછળ લખાતા શબ્દો ગૌણ બની જાય છે. ૐ નું ઉચ્ચારણ ઘણીવાર કરવામાં આવે છે, તમે ૐ મોટેથી બોલી શકો છો અને ધીરેથી પણ બોલી શકો છો  તેથી ૐ નું ઉચ્ચારણ રટણ માળા હાથમાં લઈને પદ્માસન, અર્ધપદ્માસન, સુખાસન કે વજ્રાસન મુદ્રામાં કરી શકાય છે, જો બેસવા માટે અસમર્થ હોવ તો ખુરશીમાં બેસીને કે સુતા સુતા પણ કરી શકાય છે.

તેથી આપને મારી બે હાથ જોડીને હ્રદયપૂર્વક વિનંતી છે તમે ઉપર દર્શાવેલી રીતે જમણા હાથમાં જપમાળા લઈને ૧૦૮ વખત ૐ શબ્દના ઉચ્ચારણ એટલે એક લેખે આપની અનુકુળતા મુજબ ૩, ૫, ૭, ૯, ૧૧ અથવા ૨૧ માળા અવશ્ય કરશો.
પ્રણવ મંત્ર (ૐકાર):

હવે વાત આવે છે નિત્ય પૂજા-પ્રાર્થનાની. ઉપરોકત મંત્ર પઠન અને જાપ કરવા ઉપરાંત જો તમે પૂજા અર્ચના કરવામાં પણ રસ ધરાવો છો તો એ વાત નક્કી છે કે તમે પૂર્વ જન્મનું સંચિત પૂન્યફળ ધરાવો છો. તમારી નિત્ય પૂજા માટે મારૂં એટલું જ કહેવું છે કે છેક શરૂઆતથી જ હિન્દુ ધર્મ પરંપરા વૈચારિક અને આધ્યાત્મિક સ્વતંત્રતાનું પ્રોત્સાહન કરતી આવી છે. પરિણામે હિન્દુ લોકો ૩૩ કરોડની દેવી-દેવતાઓ, અનેક પંથો, સંપ્રદાયો ગુરુ, સિદ્ધ યોગી, ધાર્મિક નેતા અને સદપુરુષોમાં શ્રદ્ધા ધરાવે છે અને તે અનુસાર પૂજા અને ઉપાસના કરે છે.

એ વાતનો આદર કરતાં આપને મારી નમ્ર અરજ છે કે આટલું કર્યા પછી જો તમે ઘર અથવા વ્યવસાયના તમારા દેવસ્થાનની સન્મુખ સ્વચ્છ આસન પર બેસીને હિન્દુ ધર્મના તમે જે પંથ કે સંપ્રદાયમાં આસ્થા ધરાવતા હોવ તે અનુસારના આપના ઈષ્ટદેવી-દેવતાની શ્રદ્ધાપૂર્વક પુજા, આરતી, ભોગપ્રસાદ કરી લીધા પછી નજીકના મંદિરે દર્શન કરીને રોજીંદી દિનચર્યા શરૂ કરવાનો આગ્રહ રાખશો તો તે સોનામાં સુગંધ ઉમેરતો નિત્યક્રમ આપને સર્વદા કલ્યાણ અને મંગલકારી બની રહેશે અને આપનું જીવન સાર્થક થશે એમાં શંકાને કોઈ સ્થાન નથી.

ઈતિ કલ્યાણં અસ્તુ||

આ લેખ વાંચવા બદલ આભાર વ્યક્ત કરી મારી નમ્ર વિનંતી છે કે જો તમને આ સંગ્રહ ખૂબ સુંદર અને જરૂરી જણાયો હોય તો તેની એક પ્રત પરિવારના બાળકોને અવશ્ય આપશો.
~ મહેશ ભટ્ટ

No comments:

Post a Comment